રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે હવે ખેડા જિલ્લાના માતર તાલુકામાં પૂરની સ્થિતિ થતા માતરનું સાયલા ગામ બેટમાં ફેરવાયું છે. જેને લઈને ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
મળતી માહિતી અનુસાર વરસાદના સતત ચોથા દિવસે પણ માતરમાં પૂર જેવી પરિસ્થિતિ યથાવત છે. ત્યારે સાયલા ગામમાં અવર જવર કરવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. સાયલા અને આસપાસના વિસ્તારમાં અંદાજે 2,500થી 3,000 વીઘા ખેતીમાં પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને ડાંગરના વાવેતરને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અનેક દિવસોથી પાણીનો નિકાલ ન થતાં ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
દર વર્ષે જળબંબાકારની સ્થિતિ
નોંધનીય છે કે, ગ્રામજનોનો આક્ષેપ છે કે પરીએજ તળાવના રિનોવેશન બાદ પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે દર વર્ષે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તેમના મતે હાલની પરિસ્થિતિ માત્ર કુદરતી નથી, પરંતુ માનવસર્જિત કારણોસર વધુ ગંભીર બની છે. હાલ ગ્રામજનો પ્રશાસન પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Monsoon 2026 : વિરમગામમાં પૂરના પાણીમાં ટ્રેક્ટર ફસાયા બાદ યુવક પણ તણાયો, દિલધડક રેસ્કયુ કરાયું
