દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સ્થિતિ અત્યંત વિકટ બની છે. વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે છલકાતાં જિલ્લાના કુલ 284 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં કપરાડાના 64, ધરમપુરના 47, નાનાપોંઢાના 56, પારડીના 49 , વલસાડ તાલુકાના 51 અને ઉમરગામના 7 રસ્તાઓનો સમાવેશ થાય છે.
કાર નદીના પૂરમાં તણાઈ ગઈ
ધરમપુરના બોપી માન નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા હોવા છતાં કાર પસાર કરવાનો પ્રયાસ કરતાં કાર નદીના પૂરમાં તણાઈ ગઈ હતી, જોકે ચાલકે તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઇવે 48 પર અતુલ અને પારનેરા પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે.
મહિલા ભારે પ્રવાહમાં તણાઇ
દુર્ઘટનામાં ગણદેવી તાલુકાના તલોધ ગામના એક મહિલા રેલવે અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંબિકા નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા. બીલીમોરા ફાયર વિભાગની ટીમ દ્વારા તણાયેલા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
https://youtu.be/3gPQmFzEGCM
બીલીમોરા જળબંબાકાર
બીજી તરફ, નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. તમામ 6 તાલુકામાં આફતના વરસાદથી અંબિકા અને કાવેરી નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. નદીના પૂરના પાણી બીલીમોરા શહેરમાં ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓ ગરકાવ થઈ ગઈ છે, જેથી વહીવટી તંત્ર દ્વારા 25થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલમાં દીપડા જેવું જંગલી જાનવર દેખાતા હડકંપ: કાર નીચે સંતાયા બાદ ભાગતો વીડિયો સામે આવ્યો, Video