Rescue Operation In Navsari: ભારે વરસાદે નવસારીમાં તબાહી મચાવી છે. નવસારી શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાના ધામડાચા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે ભારતીય સેના, NDRF અને SDRF દ્વારા સંયુક્ત મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગામમાં પાણી ઘૂસી જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે અને અનેક લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં સેના પહોંચી

ભારતીય સેનાના જવાનો બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહ્યા છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર પણ સેના સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે.

પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવા લોકોને અપીલ

નોંધનીય છે કે, પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારો માટે જરૂરી સુવિધાઓ અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા લોકોને નદી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ધામડાચા વિસ્તારમાં ચાલી રહેલું આ મેગા રેસ્ક્યૂ ઓપરેશન પૂરગ્રસ્ત લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને જાનહાનિ ટાળવા માટે સતત યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યું છે.