ગુજરાતના અનેક વિસ્તારોમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ વચ્ચે સરકારી તંત્ર દ્વારા પણ જે રાહત કામગીરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે. આ વચ્ચે અમદાવાદ શહેરામાં 2.5 ઇંચ વરસાદ, માંડલમાં 2.5 ઇંચ ,દેત્રોજમાં 2.5 ઇંચ, વિરમગામ 3.5 ઇંચ,દસ્ક્રોઇમાં 2 ઇંચ, ધોળકામાં 2 ઇંચ,બાવળા 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
સાણંદમાં વરસાદી માહોલ
વહેલી સવારથી સાણંદ પંથકમાં વરસાદી માહોલ છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. આ વચ્ચે વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે ભારે વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ છે. જોકે, આતુરતાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છો પરંતુ વાવેતરને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. સતત વરસાદ ચાલુ રહેશે તો કેટલાક વિસ્તારોમાં વાવેતર પર અસર થઈ શકે છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેના પગલે સવારે ઓફિસ જવા નીકળેલા હજારો લોકો રસ્તા પર અટવાઇ ગયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેથી બિનજરુરી બહાર ના નીકળવા એલર્ટ કરવામાં આવ્યા છે..
