દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, ત્યારે સુરતના કામરેજ તાલુકામાં આજે સવારથી જ આકાશી આફત તૂટી પડી છે. કામરેજ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર થોડા જ કલાકોમાં 6 ઇંચથી વધુ મુસલધાર વરસાદ ખાબક્યો છે. આ આક્રમક વરસાદને કારણે સમગ્ર કામરેજ પંથક પાણી-પાણી થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો
સૌથી ગંભીર સ્થિતિ કામરેજ નેશનલ હાઈવે પર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક નાની ગાડીઓ અને ટુ-વ્હીલર્સ પાણીમાં બંધ પડી જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકો જીવના જોખમે પાણીના જોરદાર પ્રવાહમાંથી પોતાના વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે.
તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં
આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ વરસતા વરસાદમાં પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ જવાનો હાઈવે પર તૈનાત થઈ ગયા હતા અને પાણીની વચ્ચે ઉભા રહીને વાહનોને સલામત રીતે પસાર કરાવવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ
બીજી તરફ, સામાન્ય વરસાદમાં પણ નેશનલ હાઈવે જેવી મહત્વની સડક પર પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાનો આક્રોશ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી કે ડ્રેનેજ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારીનો ભોગ દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય જનતા અને વાહનચાલકોએ બનવું પડ્યું છે.
આ પણ વાંચો----- Monsoon 2026 : ગુજરાતમાંથી ચોમાસાની સિસ્ટમ પસાર.. 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી