સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. ભારે વરસાદના બે દિવસ વીતી ગયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાંથી હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી. આ આફત વચ્ચે ડીંડોલી ફાયર વિભાગ દ્વારા એક મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાડીના પૂરમાં ડૂબી જવાથી કમનસીબે 3 લોકોના મોત નીપજ્યા છે, જેમના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને પૂરના પાણી કે ખાડી કિનારે ન જવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા કડક અપીલ કરી છે.
પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ
શહેરના પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ડુંભાલથી પર્વત ગામનો મુખ્ય રસ્તો સંપર્ક વિહોણો બન્યો છે. રસ્તાઓ પર 6 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને હજારો લોકો પોતાના ઘરોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારમાં આવેલું માધવબાગ હજુ પણ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે.
