દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ પૂર્ણપણે જામ્યો છે. સુરતમાં આજે અતિભારે વરસાદના 'રેડ એલર્ટ' વચ્ચે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.
તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો
સતત વરસી રહેલા વરસાદને કારણે સુરતનો તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થયો છે અને તેની સપાટી ૬.૬૬ મીટરે પહોંચી ગઈ છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે આવકના પગલે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધતાં ૩૧૩.૧૪ ફૂટે પહોંચી છે. તાપી નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
લીંબાયત-ઉધના ગરનાળું છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ
શહેરમાં સતત પડાતા વરસાદને કારણે લીંબાયત-ઉધના ગરનાળું છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ રહેતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ઉધના મેઇન રોડ, વેસુ શ્યામ મંદિર અને ચોસઠ જોગણી રોડ પર પણ પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થિતિનું નિરીક્ષણ કરવા સુરત મહાનગરપાલિકાના કમિશનરે ઉધના-નવસારી રોડ અને ભેદવાડ ખાડી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલ માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી.
https://youtu.be/lBJ9-8f0SrA
અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ
બીજી તરફ, સુરત નજીક ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેનો ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ છલકાઈ ગયો છે. ડેમ છલકાતાં આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે મનમોહક અને આહ્લાદક દ્રશ્યો માણવા સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલમાં દીપડા જેવું જંગલી જાનવર દેખાતા હડકંપ: કાર નીચે સંતાયા બાદ ભાગતો વીડિયો સામે આવ્યો, Video