દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે સુરત શહેર પર ફરી એકવાર ‘ખાડીપૂર’નું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. શહેરમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે ખાડીઓના જળસ્તરમાં ભયજનક રીતે વધારો થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પસાર થતી ભેદવાળ ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસવાનું જોખમ ઊભું થયું છે.
ખાડી હાલ 7.40 મીટરની ભયજનક સપાટી વટાવી
મળતી માહિતી અનુસાર, ભેદવાળ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે, જેની સામે ખાડી હાલ 7.40 મીટરની ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈને વહી રહી છે. સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ભેદવાળ ખાડી કાંઠે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
