દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત અને મુસળધાર વરસાદના લીધે સુરત અને આસપાસના જિલ્લાઓની તમામ નદીઓ અને ખાડીઓ બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં અને કેચમેન્ટ એરિયામાં નોંધાયેલા ભારે વરસાદને પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત અને રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે.

ઉકાઈ ડેમમાં પાણીની વિપુલ આવક 

હાલના તાજા અહેવાલ મુજબ, ઉકાઈ ડેમમાં પાણીની વિપુલ આવક થતાં તેની સપાટી 311.67 ફૂટે પહોંચી ગઈ છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ડેમમાં પાણી વધતાં જ તાપી નદી પણ પોતાના રૌદ્ર અને આકર્ષક સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. 

વીયર કમ કોઝવેની સપાટીમાં પણ મોટો ઉછાળો 

બીજી તરફ, સુરત શહેરના સિંગણપોર ખાતે આવેલા વીયર કમ કોઝવેની સપાટીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. કોઝવેની જળસપાટી 6.70 મીટરે પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટી કરતાં વધુ હોવાથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. વરસાદી આફત અને પૂરની સંભાવનાને જોતા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!