દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં મોડી રાત્રે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શિનોર તાલુકા અને શહેરમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં સાડા 3 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબોળ થઈ ગયું છે. મુસળધાર વરસાદના કારણે શિનોરના મુખ્ય બજાર સહિતના તમામ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા.

મુખ્ય બજારના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો

શહેરમાં પાણીનો નિકાલ ન થવાને કારણે મુખ્ય બજારના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તા પર પાર્ક કરેલી અનેક મોટરસાયકલો રમકડાની જેમ તણાવા લાગી હતી. બાઇકો તણાવાના આ લાઈવ દ્રશ્યો સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. 

https://www.instagram.com/reel/DaesLx6kryD/?utm_source=ig_web_button_share_sheet 

અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

અચાનક તૂટી પડેલા આ આકાશી આફતને કારણે સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે, તેમજ રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે અને શિનોરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મનપા અને સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો આક્રોશ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

 આ પણ વાંચો----   Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!