દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેરને બદલે કહર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
કપરાડામાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ
વલસાડના કપરાડામાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. આ ઉપરાંત નાનાપૌંડામાં 11.5 ઈંચ, ચીખલીમાં 10 ઈંચ, પારડી અને વાંસદામાં 9.5 ઈંચ, વલસાડ શહેરમાં 8.5 ઈંચ તેમજ ખેરગામમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
વાપી અને વલસાડ શહેર પાણીમાં ગરકાવ
ભારે વરસાદના પગલે વાપી અને વલસાડ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપીના જગન પાર્ક, ચલા, સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી અને GIDC વિસ્તારમાં મોડી રાત્રે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાના કારણે વાપીના બંને રેલવે અંડરપાસ અને વલસાડ શહેરને 40 ગામો સાથે જોડતો છીપવાડ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
શાળા કોલેજોમાં રજા અપાઇ
સ્થિતિની ગંભીરતા અને રેડ એલર્ટને ધ્યાને રાખી વલસાડ કલેક્ટર તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ પ્રશાસન દ્વારા તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર
બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અલર્ટ જારી કરાયું છે. કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરીને માંડવી બીચ પર પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા રસ્તાઓ પર બેરિકેટ્સ લગાવી દેવાયા છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી હોવાથી માછીમારો અને પ્રવાસીઓને કિનારાથી દૂર રહેવા અને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : સુરત ફરી જળબંબાકાર, અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા, તંત્રની ફરી પોલ ખુલી, Video