દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પ્રચંડ આક્રમણ કર્યું છે. વલસાડ શહેરમાં આજે વહેલી સવારથી તૂટી પડેલા માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં 6 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું છે. આ આકાશી આફતના કારણે વલસાડના અનેક રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે અને પૂર જેવી અત્યંત ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.

સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ

વરસાદનું જોર એટલું ભયાનક હતું કે વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નાનકવાડાની શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટીમાં ઘરોમાં પહેલા માળ સુધી પૂરના પાણી ભરાઈ ગયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. 

https://youtu.be/lC943rB5KtA 

ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પરિવારો ફસાઈ ગયા

વલસાડ શહેર ઉપરાંત નાનકવાડા ગ્રામ પંચાયત વિસ્તારની અનેક સોસાયટીઓમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકોના ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પરિવારો ફસાઈ ગયા છે.

https://www.instagram.com/reel/DaUWi5ckaHe/?utm_source=ig_web_button_share_sheet 

લોકો પોતાના ઘરોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા

વહેલી સવારથી શરૂ થયેલા આ અવિરત અને તોફાની વરસાદને કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. ચારેય તરફ ગળાડૂબ પાણી હોવાને લીધે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. ખાવા-પીવાની અને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર અને બચાવ કામગીરીની ટીમો એલર્ટ થઈ ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો----    Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, બે કલાકમાં 6 ઇંચ વરસાદ, Video