ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઇ ગયો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે તાજું નાવકાસ્ટ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી કલાકોમાં મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આશંકા છે.


3 કલાકમાં મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ

વડોદરા, નડિયાદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે લુણાવાડા, દાહોદ અને ગોધરા સહિત પંચમહાલ પંથકમાં 61 કિમીની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ કરાયું છે.

કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વ્યાપક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ પંચમહાલ જિલ્લાની થઈ છે. પંચમહાલના કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ (૩.૯૮ ઈંચ) જેટલો ખાબકતા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. વડોદરા શહેરમાં પણ સારો વરસાદ પડ્યો છે વડોદરા ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છે

 


 હાલોલ-બોડેલી મુખ્ય હાઇવે બંધ

ધોધમાર વરસાદને પગલે હાલોલ-બોડેલી મુખ્ય હાઇવે પર ખાખરીયા પાસે આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે. આ ઉપરાંત ગોધરામાં ૨.૩૬ ઈંચ અને ઘોઘંબામાં ૨.૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

દાહોદમાં પણ ભારે વરસાદ

બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજા પધાર્યા હતા. લીમડી, ઝાલોદ, વરોડ, મીરાખેડી અને કાળીમહુડી પંથકમાં નોંધપાત્ર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જોકે, આ વરસાદ સાર્વત્રિક અને વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે.

વરસાદના આંકડો પર કરો નજર

મુખ્ય તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મહેસાણાના કડીમાં ૨.૫ ઈંચ, ખેડાના નડિયાદમાં સરેરાશ ૨ ઈંચ અને પંચમહાલના શહેરામાં પણ ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરવા અને જાંબુઘોડા પંથકમાં ૧.૫ ઈંચ તેમજ ધંધુકામાં ૧ ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર, હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે ? વાંચો તમારા મનના તમામ સવાલોના જવાબ

  • Follow us on: