દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

દિલ્હી-એનસીઆરથી લઈને દેશના અનેક રાજ્યોમાં ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે અને હવામાન વિભાગ સતત હીટવેવની આગાહી કરી રહ્યુ છે. ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DS એ આકાશમાં 2500 કિલોમીટર સુધી ફેલાયેલા વાદળોના સમૂહને કેદ કર્યો છે. આ વાદળોનો સમૂહ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઉત્તરીય ભારતીય રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. જેને લઇને રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઇ છે.

હવામાન પ્રણાલી સક્રિય

ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DSએ લીધેલી થર્મલ ઇન્ફ્રારેડ છબીઓ ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગોમાં ફેલાયેલા વિશાળ વાદળોના સમૂહને દર્શાવે છે. આ સૂચવે છે કે દેશના ઘણા ભાગોમાં હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. જેના કારણે વરસાદ પડશે. સેટેલાઇટ છબીઓમાં દેખાતું આ વાદળોનું જૂથ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ઉદ્ભવે છે. જે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી પસાર થાય છે અને પૂર્વ ભારત અને બંગાળની ખાડી પરના વાદળોના જૂથોમાં એકત્ર થઇ જશે.

વાદળોનું ચક્રવાતી પરિભ્રમણ

હવામાન શાસ્ત્રીઓ માને છે કે આ વાદળો પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે બન્યા છે. છબીમાં દેખાતા તેજસ્વી સફેદ વિસ્તારો વાદળોની ઉપરની સપાટીમાં ઠંડકનો સંકેત આપે છે. આનાથી ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડી શકે છે. ઉપગ્રહ છબીમાં ઉત્તરી પાકિસ્તાન અને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં વાદળોનું ચક્રવાતી પરિભ્રમણ પણ દેખાય છે. આ પશ્ચિમી વિક્ષેપને કારણે હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Abdullah Azam Khanને ડ્યુઅલ પાસપોર્ટ કેસમાં રાહત, કોર્ટે જાહેર કર્યા નિર્દોષ