ભરૂચ જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, અરબી સમુદ્રમાં સર્જાયેલી ભેજવાળી સિસ્ટમને કારણે ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત રાત્રિથી જ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી.

હંસોટ અને નેત્રંગમાં ધીમીધારે ધોધમાર

ખાસ કરીને દરિયાકાંઠાના હંસોટ તાલુકા અને પહાડી તેમજ જંગલ વિસ્તાર ધરાવતા નેત્રંગ પંથકમાં મેઘરાજાએ મુકામ કર્યો છે. બંને તાલુકાઓમાં સવારના સમયે જ 1-1 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ કોઈ પણ પ્રકારના નુકસાન વગર પડ્યો હોવાથી સ્થાનિકોમાં આનંદનો માહોલ છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના ઔદ્યોગિક પંથકોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાના કારણે પ્રદૂષિત વાતાવરણમાં મોટી રાહત મળી છે.

ધરતીપુત્રો વાવણીના કામમાં જોતરાયા

આ વરસાદને કૃષિ નિષ્ણાતો 'અમૃત સમાન' ગણાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કપાસ, તુવેર, મગફળી અને શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે. હંસોટ અને નેત્રંગમાં પડેલો 1 ઇંચ વરસાદ જમીનમાં ભેજ ઉતારવા માટે પૂરતો હોવાથી ખેડૂતોએ સવારથી જ ટ્રેક્ટર અને હળ લઈને ખેતરોમાં વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. બજારોમાં પણ બિયારણ અને ખાતર ખરીદવા માટે ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદી નજારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Vadodara: વાઘોડિયા ફાયરિંગ કેસમાં શૂટર્સ પોલીસ પકડથી દૂર, સીમ અને ખેતરોમાં ડ્રોન ઉડાડી શોધખોળ શરૂ