- IDFએ 4 મસ્જિદોને ધ્વસ્ત કરી અને 200 લોકોના મોત
- ઇઝરાયેલે હમાસની 600 જગ્યાઓને નિશાન બનાવ્યા
- હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ રોકવા સતત પ્રયાસો કરાયા
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અપડેટ યુદ્ધના બીજા રાઉન્ડમાં લડાઈ હવે ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં કેન્દ્રિત છે. યુદ્ધવિરામ બાદ શુક્રવારે શરૂ થયેલી લડાઈ બીજા દિવસે પણ ઉગ્ર બની હતી. ઇઝરાયેલી સૈનિકો અને હમાસ લડવૈયાઓ ગીચ વસ્તીવાળા દક્ષિણ ગાઝા અને તેના સૌથી મોટા શહેર ખાન યુનિસમાં ઘણી જગ્યાએ સામસામે લડી રહ્યા છે.
ગાઝામાં 400 ટાર્ગેટને નિશાન બનાવ્યા
ઇઝરાયેલી સૈનિકો અને હમાસ લડવૈયાઓ ગીચ વસ્તીવાળા દક્ષિણ ગાઝા અને તેના સૌથી મોટા શહેર ખાન યુનિસમાં ઘણી જગ્યાએ સામસામે લડી રહ્યા છે. ઇઝરાયલી દળોએ બીજા દિવસે ગાઝામાં 400 ટાર્ગેટને નિશાન બનાવ્યા. બે દિવસીય લડાઈમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 200 પર પહોંચી ગઈ છે, જ્યારે 650 ઘાયલ છે.
યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 15,200ને પાર
યુદ્ધમાં કુલ મૃત્યુઆંક 15,200 પર પહોંચી ગયો છે, જેમાંથી લગભગ 70 ટકા મહિલાઓ અને બાળકો છે. શનિવારે હમાસે પણ ઈઝરાયલના શહેરો પર અનેક રોકેટ છોડ્યા હતા, પરંતુ તેનાથી થયેલા નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી. શનિવારે ઇઝરાયલી વિમાનો અને ટેન્કો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલ પાસે બનેલી ત્રણ મસ્જિદો અને અનેક મકાનો નાશ પામ્યા હતા. આ હુમલાઓમાં ડઝનબંધ લોકોના મોતની આશંકા છે, ડઝનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
આ સિવાય મધ્ય ગાઝામાં દેર અલ-બલાહ શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઘણા બાળકો સહિત નવ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જમીની લડાઈમાં, ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં એક મસ્જિદ પર હુમલો કરી તેને નષ્ટ કરી દીધો છે. સેનાએ કહ્યું છે કે હમાસે મસ્જિદને કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં હમાસના આતંકવાદીઓ માર્યા ગયા છે.
દક્ષિણ ગાઝા વિસ્તારમાં 20 લાખ લોકો રહે છે
એ નોંધવું જોઈએ કે ઉત્તરી ગાઝામાંથી ભાગી ગયેલા લોકો સહિત લગભગ 2 મિલિયન લોકો હાલમાં દક્ષિણ ગાઝા વિસ્તારમાં છે. ઇઝરાયેલની સેનાએ હવે આ વિસ્તારના લોકોને ઇજિપ્તની સરહદ પાસે આવેલા રફાહ શહેરમાં જવા માટે કહ્યું છે, જ્યારે શુક્રવારે જ ઇઝરાયેલના વિમાનોએ આ શહેર પર બોમ્બમારો કર્યો હતો. પત્ની અને છ બાળકો સાથે ગાઝાથી ભાગીને દેર અલ-બલાહ આવેલા યામેનનું કહેવું છે કે અમે બધું ગુમાવીને અહીં આવ્યા છીએ, હવે અહીંથી ક્યાં જઈએ તેવી સ્થાનિકો વેદના વ્યક્ત કરી રહ્યા છે.
ગાઝામાંથી 2,100 લોકોની ધરપકડ
ઈઝરાયેલના સુરક્ષા દળોએ 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ગાઝામાંથી 2,100 લોકોની ધરપકડ કરી છે. આ લોકો આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. રેડ ક્રોસના વડા રોબર્ટ માર્ડીનીએ કહ્યું છે કે ભીષણ લડાઈના તાજેતરના રાઉન્ડથી ગાઝામાં ફરી એકવાર વિનાશ શરૂ થયો છે. જાન-માલનું મોટું નુકસાન થવાની આશંકા છે.
રાહત સામગ્રીનો પુરવઠો ખોરવાયો
શુક્રવારે ફરીથી લડાઈ ફાટી નીકળ્યા બાદ રફાહ સરહદ દ્વારા ગાઝામાં રાહત સામાનનો પુરવઠો ખોરવાઈ ગયો છે. બે દિવસમાં રાહત સામગ્રી વહન કરતી માત્ર એક ટ્રક ગાઝામાં પ્રવેશી છે. ઇઝરાયેલ અને હમાસ યુદ્ધવિરામ ભંગ માટે એકબીજા પર દોષારોપણ કરે છે, પરંતુ તેને ફરીથી લાગુ કરવાના પ્રયાસો ચાલુ છે. આ સંબંધમાં ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના અધિકારીઓની એક ટીમ કતારમાં છે. નોંધનીય છે કે કતારી અને ઇજિપ્તના અધિકારીઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સક્રિય રીતે મધ્યસ્થી કરી રહ્યા છે.
યુદ્ધ વચ્ચે ત્રિપાખયો જંગ જામ્યો
લેબનોન સરહદ પર ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ ઉગ્ર બની છે. આ લડાઈમાં બે હિઝબુલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા હતા, જ્યારે શુક્રવારે ઇઝરાયેલના ગોળીબારમાં ત્રણ લેબનીઝ માર્યા ગયા હતા. તે પહેલા હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો હતો.
અમારા 2 સુરક્ષા અધિકારીઓ સીરિયામાં મોતને ભેટ્યાં: ઈરાન
ઈરાને કહ્યું છે કે તેના 2 રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સના અધિકારીઓ, જેઓ ત્યાં સુરક્ષા દળોને સલાહ આપવા માટે સીરિયા ગયા હતા, તેઓ શનિવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઈરાને માર્યા ગયેલા અધિકારીઓના હોદ્દા અથવા સીરિયામાં ક્યાં માર્યા ગયા તેની માહિતી આપી નથી.













