- માલદીવે ભારતીય પાયલટોને માલદીવમાં હેલિકોપ્ટર ચલાવવાની પરવાનગી આપી
- માલદીવે ભારતીય પાયલટને ભારતીય નાગરિક ગણાવ્યો
- આજ રાતથી હેન્ડઓવરની પ્રક્રિયા થશે શરૂ
માલદીવના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય સુવિધાઓના હેતુ માટે ભારત દ્વારા માલદીવને આપવામાં આવેલા હેલિકોપ્ટરને ચલાવવા માટે ભારતીય નાગરિકોનું એક જૂથ માલદીવ આવી રહ્યું છે. માલદીવમાં ભારતીય નાગરિકોની હાજરી મહત્વપૂર્ણ છે, કારણકે હિંદ મહાસાગરમાં સ્થિત માલદીવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. રાજદ્વારી અને રાજકીય પરિભાષામાં, હિંદ મહાસાગરને ભારતનું બેકયાર્ડ કહેવામાં આવે છે. આ સિવાય માલદીવમાં મોહમ્મદ મુઈઝુની સરકાર બની ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમ પર છે. પ્રમુખ મુઇઝુ અને તેમની પાર્ટી ચીન તરફી હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિ મુઈઝુ દ્વારા ભારતીય સૈનિકોને દેશ છોડી દેવાની માંગણી બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે..માલદીવના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો માલદીવમાં હેલિકોપ્ટર ચલાવવા માટે અદ્દુ શહેરમાં આવી રહ્યા છે.
GAN એરપોર્ટ પર હેલિકોપ્ટર
ભારતીય પાઈલોટ આજે રાત્રે GAN એરપોર્ટ પર પહોંચી જશે, ત્યારબાદ ભારતીય નાગરિકોને હેલિકોપ્ટર ઓપરેટ કરવાનું કામ આપવાની પ્રક્રિયા શરૂ થશે. આ તમામ નાગરિકો માલદીવમાં તૈનાત હાલના સૈન્ય કર્મચારીઓની જવાબદારી સંભાળશે અને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા હેલિકોપ્ટરનું સંચાલન કરશે. માલદીવના સંરક્ષણ મંત્રાલયે એ પણ જાહેરાત કરી છે કે હાલમાં લામુ ગાન કાધાધુ એરપોર્ટ પર તૈનાત હેલિકોપ્ટરને જાળવણી માટે ભારત પરત મોકલવામાં આવશે. રિપ્લેસમેન્ટ હેલિકોપ્ટર આવતીકાલે એટલે કે બુધવારે માલદીવ પહોંચશે.
માલદીવને મદદ કરવા માટે બજેટમાં વધારો
સરકારી ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન એટલે કે માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન માલદીવમાં વિકાસ પ્રોજેકટ પર લગભગ 7.71 અબજ રૂપિયા ખર્ચ્યા છે. આ ખર્ચ નિર્ધારિત બજેટ કરતા લગભગ બમણો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં માલદીવ માટે 6 અબજ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. પરંતુ બાદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, માલદીવ માટે ફાળવવામાં આવેલા બજેટમાં સુધારો કરીને વધારો કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્તમાન નાણાકીય બજેટમાં માલદીવ માટે અંદાજે 7.8 અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.