- ભારત અને કેનેડાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે
- કેનેડાના 41 રાજદ્વારીઓએ ભારત છોડી દીધું હોવાથી તણાવ વધુ વધ્યો છે
- અમેરિકા અને બ્રિટને ભારતને આ મામલે નમ્રતા દાખવવા કહ્યું છે
ભારતે કેનેડાના રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચવાની વાત કરી હતી. જે બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. અમેરિકા અને બ્રિટને ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વાપસી પર નિવેદન જારી કર્યું છે. જેમાં બંને દેશોએ કેનેડાનો પક્ષ લીધો છે અને ભારતના પગલા સામે સીધી અસહમતી દર્શાવી છે.
અમેરિકાએ કહ્યું કેનેડાના આરોપ ગંભીર છે
ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓ પરત ફરવા પર અમેરિકા અને બ્રિટને કહ્યું છે કે આ પગલું ચિંતાજનક છે. તેનાથી સંબંધોમાં વધુ કડવાશ આવશે. બંને દેશોએ સંબંધો સુધારવા માટે વિચારવું જોઈએ. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે આ મામલે કહ્યું છે કે અમે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓના પરત આવવાને લઈને ચિંતિત છીએ. સમસ્યાઓ ઉકેલવા માટે રાજદ્વારીઓ જમીન પર હોવા જરૂરી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરે. રાજદ્વારીઓને રક્ષણ પૂરું પાડતા વિશેષાધિકારોને એકપક્ષીય રીતે દૂર કરવું એ વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અનુસાર નથી. અમેરિકાએ એમ પણ કહ્યું કે કેનેડાના આરોપો ગંભીર છે. અમે ભારતને હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરીએ છીએ.
બ્રિટને કહ્યું અમે ભારતના નિર્ણયથી સહમત નથી
બ્રિટિશ વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે ભારત સરકારના આ નિર્ણય સાથે સહમત નથી, જેના કારણે કેનેડાના રાજદ્વારીઓને પરત ફરવું પડ્યું. મતભેદોને ઉકેલવા માટે, સંબંધિત રાજધાનીઓ જમીન પર રહીને વાટાઘાટો કરે તે જરૂરી છે. રાજદ્વારીઓ પરત ફર્યા બાદ મંત્રણાનો ક્રમ વધુ તૂટી જશે.
કેનેડાને પણ ભારત સામે નારાજગી વ્યક્ત કરી છે
કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ માહિતી આપી હતી કે તેમની સરકારે 41 કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારના 42 સભ્યોને ભારતમાંથી પાછા બોલાવ્યા છે. તેની પાછળનું કારણ ભારતનો મનસ્વી રીતે તેમની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય છે. તેનાથી તેમની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. ભારતમાંથી 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિશાન સાધતા કહ્યું કે, ભારત સરકાર પોતાની હરકતોથી બંને દેશોના લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
ભારત અને કેનેડા વચ્ચે શું છે વિવાદ?
ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે નિજ્જરની હત્યા ભારત સાથે સંબંધિત છે અને તેના માટે કેટલાક પુરાવા છે. 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કરનાર ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવ્યા હતા. ત્યારથી બંને દેશોના સંબંધોમાં સતત કડવાશ જોવા મળી રહી છે. વધતા તણાવ વચ્ચે કેનેડાના 41 રાજદ્વારીઓને પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ કેનેડાએ પણ ભારતમાં પોતાના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના દ્વારા નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.