અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ પર ઈરાની હેકર્સની ખરાબ નજર છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની હેકર્સે થોડા દિવસો પહેલા કાશ પટેલને પણ નિશાન બનાવ્યા હતા. ભારતવંશી પટેલ એ વ્યક્તિ છે જેમને ટ્રમ્પે એફબીઆઈ ડાયરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે.


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતીય મૂળના કશ પટેલની FBI ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે. પરંતુ તેઓ પદ સંભાળતા પહેલા એક મોટી માહિતી સામે આવી છે, સીએનએનએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ પટેલ ઈરાની હેકર્સના નિશાના પર હતા. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ઘણા સૂત્રોએ જણાવ્યું હતું કે એફબીઆઈએ કાશ પટેલ અને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને સાયબર હુમલા વિશે માહિતી આપી છે, જોકે ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમે આ ઘટનાની સીધી પુષ્ટિ કરી નથી. ટ્રમ્પની નજીકના લોકોને નિશાન બનાવવાના વિદેશી હેકિંગ પ્રયાસો વચ્ચે આ ઘટના બની છે.

ઈરાની હેકર્સે કાશ પટેલને બનાવ્યા નિશાન!

સૂત્રોના જણાવ્યા અનુસાર હેકર્સે કાશ પટેલના કેટલાક કોમ્યુનિકેશન્સ એક્સેસ કર્યા હતા. ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમના પ્રવક્તા એલેક્સ ફેફરે હેકિંગની પુષ્ટિ કર્યા વિના કહ્યું, 'કાશ પટેલ ઈરાની શાસન વિરુદ્ધ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓનો એક મહત્વપૂર્ણ ભાગ હતો અને FBI ડિરેક્ટર તરીકે, તેઓ અમેરિકાને વિરોધીઓથી બચાવવા માટે કામ કર્યું હતું.

ટ્રમ્પની ટીમ ઈરાન-ચીનના નિશાના પર!

ઈરાન ઘણા વર્ષોથી ટ્રમ્પના પ્રથમ વહીવટીતંત્રના સભ્યોને નિશાન બનાવી રહ્યું છે અને તાજેતરમાં ટ્રમ્પના પ્રમુખપદની ઝુંબેશમાંથી ચોરાયેલી માહિતી રાષ્ટ્રપતિ જો બિડેનના ચૂંટણી અભિયાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે શેર કરી છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર જૂનમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના સહયોગી રોજર સ્ટોનના ઈમેલ એકાઉન્ટ્સ એક્સેસ કર્યા હતા અને ટ્રમ્પ અભિયાનના વરિષ્ઠ અધિકારીના ઈમેલ હેક કરવાના પ્રયાસમાં તેનો ઉપયોગ કર્યો હતો. જોકે, ઈરાન સરકારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને નકારી કાઢ્યા હતા.

એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા મહિને એફબીઆઈએ ટ્રમ્પના મુખ્ય વકીલ અને ડેપ્યુટી એટર્ની જનરલ માટે નોમિની ટોડ બ્લેન્ચને જાણ કરી હતી કે ચીની હેકર્સે તેમનો સેલફોન ટેપ કર્યો હતો. જો કે, ચીન સરકારે આ સમગ્ર મામલામાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે.

કોણ છે ભારતવંશી કાશ પટેલ?

ભારતીય-અમેરિકન કશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીઓમાંના એક છે. 'ડીપ સ્ટેટ'ના કટ્ટર ટીકાકાર પટેલે FBI જેવી સરકારી એજન્સીઓનો સતત વિરોધ કર્યો છે, કારણ કે તેઓ માને છે કે FBI જેવી એજન્સીઓ રાષ્ટ્રપતિના એજન્ડા વિરુદ્ધ કામ કરે છે. પટેલે એફબીઆઈમાં નોંધપાત્ર ફેરફારોની હિમાયત કરી છે, જેમાં તેની ગુપ્ત માહિતી એકત્ર કરવાની ભૂમિકાને દૂર કરવી અને ટ્રમ્પની નીતિઓ સાથે સુસંગત ન હોય તેવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો સમાવેશ થાય છે. પટેલની સૌથી વિવાદાસ્પદ દરખાસ્તોમાંની એક FBI નું મુખ્ય મથક વોશિંગ્ટન, DC થી ખસેડવાનું છે, જેથી તેના નેતૃત્વ પર રાજકીય પ્રભાવ ઓછો થાય અને એજન્સીનો રાજકીય દાવપેચ માટે ઉપયોગ થતો અટકાવી શકાય.

  • Follow us on: