- માલદીવની ભારત સાથે દુશ્મની, ચીનથી મિત્રતા ગાઢ બની
- મેરિટાઈન ઝોનમાં પેટ્રોલિંગ કરવા તુર્કી પાસેથી ડ્રોન ખરીદ્યા
- માલદીવને તુર્કીની ખાનગી કંપનીએ ડ્રોન આપ્યા હતા
માલદીવે દેશના મેરિટાઇમ ઝોનમાં પેટ્રોલિંગ કરવા માટે તુર્કી પાસેથી ડ્રોન ખરીદ્યા છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ચીન માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા ચીન અને માલદીવે મફત સૈન્ય સહાય આપવા માટે સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
માલદીવ સરકાર આગામી સપ્તાહમાં ડ્રોનનું સંચાલન શરૂ કરે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, ખરીદેલા ડ્રોનની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ નથી અને ન તો સંરક્ષણ મંત્રાલય અથવા માલદીવના વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આ ડ્રોન હાલમાં નુનુ માફારુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છે.
માલદીવના અધિકારીએ શું કહ્યું?
મળતી માહિતી અનુસાર, આ મામલાને લગતા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ તુર્કી માલદીવની મુલાકાત લેનારો પ્રથમ દેશ હતો. જો કે, કરાર હેઠળ તુર્કી પાસેથી કેટલા ડ્રોન ખરીદવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી. સરકારી અધિકારીએ કહ્યું કે સરકાર આગામી સપ્તાહમાં ડ્રોનનું સંચાલન શરૂ કરવા માટે કામ કરી રહી છે.
તુર્કીની ખાનગી કંપનીએ ડ્રોન આપ્યા હતા
મળતી માહિતી અનુસાર, માલદીવના સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ સીધો જવાબ આપવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે ક્ષમતાઓને મજબૂત કરવા માટે કામ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તુર્કીની કંપની બાયકરનું TB2-ડ્રોન અને ડ્રોન માટે જરૂરી સાધનસામગ્રી માલદીવને પહોંચાડી દેવામાં આવી છે. જો કે, આ પહેલીવાર છે જ્યારે માલદીવે નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)માટે આવા ડ્રોન હસ્તગત કર્યા છે. અધાધુના જણાવ્યા અનુસાર, માલદીવે ડ્રોન ખરીદવા માટે આકસ્મિક બજેટમાંથી 37 મિલિયન અમેરિકીન ડોલક ફાળવ્યા હતા.
ભારતીય સૈનિકો માલદીવની બહાર જશે
આ ઘટનાક્રમ માલદીવ સરકાર દ્વારા દ્વીપીય રાષ્ટ્રમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા માટે નિર્ધારિત 10 માર્ચની સમયમર્યાદા પહેલા થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ મુઇઝુએ કહ્યું હતું કે 10 મે પછી, કોઈપણ ભારતીય સૈન્ય કર્મચારી, સિવિલ ડ્રેસમાં પણ, તેમના દેશની અંદર હાજર રહેશે નહીં.