- ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં 9,000થી વધુ લોકોના મોત
- વિશ્વભરના નેતાઓએ ગાઝામાં માનવતાવાદી સહાય માટે સતત અવાજ ઉઠાવ્યો
- ઇઝરાયલે હમાસ અને ગાઝાના નાગરિકો વચ્ચે તફાવત કરવો જોઇએ:વ્હાઇટ હાઉસ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને 25 દિવસ થઈ ગયા છે. બંને પક્ષોના 9,000થી વધુ લોકો માર્યા ગયા છે. હમાસની આગેવાની હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ગાઝામાં ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા કરવામાં આવેલા જવાબી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 8,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
યુદ્ધની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું હતું કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે તેમ છતાં તેણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર આવું કરવું જોઈએ. જે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ઇઝરાયલે હમાસ અને ગાઝાના નાગરિકો વચ્ચે તફાવત કરવો જોઇએ. આ ચેતવણી ત્યારે આવી જ્યારે વિશ્વભરના નેતાઓએ ગાઝામાં માનવતાવાદી સહાય માટે સતત અવાજ ઉઠાવ્યો અને ત્યાંની પરિસ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું હતું. યુનાઈટેડ નેશન્સે એમ પણ કહ્યું હતું કે ગાઝામાં "નાગરિક વ્યવસ્થા" તૂટી પડવાની શરૂઆત થઈ છે કારણ કે હજારો લોકોએ ઘઉં, લોટ અને અન્ય પુરવઠો લઈ ત્યાં ખાદ્ય ગોદામોમાં તોડફોડ કરી હતી.
વ્હાઇટ હાઉસે શું કહ્યું?
વ્હાઇટ હાઉસે યુએસ પ્રમુખ જો બાઈડન અને ઇઝરાયેલના પીએમ વચ્ચેની ફોન વાતચીતનો રીડઆઉટ જાહેર કર્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ગાઝાના વિકાસ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને બંધકોને શોધવા અને તેમની મુક્તિ સુરક્ષિત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી.આ વાતચીત દરમિયાન નેતાઓએ એવા અમેરિકન નાગરિકો વિશે પૂછપરછ કરી કે જેમના ઠેકાણા હજુ અજાણ છે અને શક્ય છે કે તેઓ હમાસની કસ્ટડીમાં હોય.
કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત
ઈઝરાયેલે શનિવારથી ગાઝામાં હમાસ વિરુદ્ધ હવાઈ અને જમીની અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. ગાઝામાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જો કે, આમાંની કેટલીક સેવાઓ ધીમે ધીમે રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.