જો તમે ઓસ્ટ્રેલિયા જવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો હવે તમારા માટે યોગ્ય સમય છે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને રજાઓ પસાર કરવાની અનુમતિ આપશે. આ પહેલ ઓસ્ટ્રેલિયન વર્કિંગ હોલીડે મેકર પ્રોગ્રામ હેઠળ આવે છે.
સત્તાવાર રીતે જોડાયું છે ભારત
ભારત 16 સપ્ટેમ્બર, 2024ના રોજ સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં જોડાયું છે. ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ઈમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલેથવેટે સોમવારે આ જાહેરાત કરી હતી. મંજૂર વ્યક્તિઓને ઓસ્ટ્રેલિયામાં એક વર્ષ માટે રહેવાની છૂટ છે અને, જો તમે લાયક છો, તો પછીના વર્ષે બીજા વિઝા માટે અરજી કરી શકો છો.
સામાજિક અને આર્થિક સંબંધો મજબૂત થશે
આ પહેલને બંને દેશો વચ્ચેના સામાજિક અને આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. આ લોકપ્રિય ઓસ્ટ્રેલિયન કાર્યક્રમમાં સામેલ થનારો ભારત 50મો દેશ બન્યો છે. ઓસ્ટ્રેલિયા 1 ઓક્ટોબર, 2024 થી યુવા ભારતીય નાગરિકો માટે વાર્ષિક 1,000 મલ્ટિપલ-એન્ટ્રી વિઝા જાહેર કરશે.
અરજીનો સમયગાળો 1 ઓક્ટોબરથી રહેશે
સફળ અરજદારોને ઓસ્ટ્રેલિયામાં કામ કરવાની અને રજાઓ ગાળવાની મંજૂરી આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનની વેબસાઈટે જણાવ્યું હતું કે જો અરજદારો અમુક જરૂરિયાતોને પૂર્ણ કરે તો તેઓ અનુગામી કામ અને રજાના વિઝા માટે પણ અરજી કરી શકશે. તમને જણાવી દઈએ કે વર્ક અને હોલિડે વિઝા માટેની અરજીનો સમયગાળો 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2024 સુધીનો છે. પસંદગી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના વિઝાનો લાભ કોને મળશે?
વિઝા ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવે છે. આનાથી તે લોકોને ઘણો ફાયદો થશે જેઓ ત્યાં જઈને એક વર્ષનો કોર્સ ભણવા ઈચ્છે છે. તેમની પાસે આ સ્કીમ હેઠળ સ્ટડી વિઝા માટે અરજી કરવાનો વિકલ્પ છે, જેનાથી રિજેક્ટ થવાની શક્યતા ઘટી જશે. લોકો વર્ક વિઝા માટે પણ અરજી કરી શકે છે અને ઓસ્ટ્રેલિયામાં જઈને કામ કરી શકે છે. એક વર્ષ કામ કર્યા બાદ તે પોતાની કંપની દ્વારા વિઝાની અવધિ પણ વધારી શકે છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.