પાડોશી દેશ એવા લઘુમતી હિંદુ સમુદાયદના હજારો સભ્યોએ શનિવારે રેલી કાઢીને વચગાળાની સરકારથી હુમલા અને સુરક્ષા તેમજ હિંદુ સમુદાયના નેતાઓ સામે રાજદ્રોહના કેસ રદ્દ કરવાની માંગ ઉઠાવી છે. આશરે 30 હજાર હિંદુઓ દક્ષિણ-પૂર્વ શહેર ચટગાંવના એક મુખ્ય ચાર રસ્તા પર રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યો હતો. દેશમાં બીજા સ્થળો પર પણ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.
હિન્દુ જૂથોનું કહેવું છે કે ઓગસ્ટની શરૂઆતમાં વડાપ્રધાન શેખ હસીનાની બિનસાંપ્રદાયિક સરકારની હકાલપટ્ટી અને હસીના દેશ છોડીને ભાગી ગયા ત્યારથી હિન્દુઓ સામે હજારો હુમલા થયા છે. હસીનાની સરકારના પતન બાદ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની જતાં શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશની વસ્તી લગભગ 17 કરોડ છે, જેમાં હિંદુઓ લગભગ 8 ટકા છે જ્યારે 91 ટકા વસ્તી મુસ્લિમ છે.
હિંદુઓ પર 2000થી વધુ હુમલા
બાંગ્લાદેશના પ્રભાવશાળી લઘુમતી જૂથ 'બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ'એ કહ્યું છે કે 4 ઓગસ્ટથી અત્યાર સુધીમાં હિંદુઓ પર 2,000થી વધુ હુમલા થયા છે. હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો કહે છે કે વચગાળાની સરકારે તેમને પૂરતું રક્ષણ આપ્યું નથી અને હસીનાના ગયા પછી કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ વધુને વધુ પ્રભાવશાળી બની રહ્યા છે.
હિન્દુ નેતાઓ સામે રાજદ્રોહનો કેસ
શહેરમાં 25 ઑક્ટોબરની રેલીને લઈને અગ્રણી પૂજારી ચંદન કુમાર ધર સહિત 19 હિન્દુ નેતાઓ વિરુદ્ધ બુધવારે રાજદ્રોહના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેની સામે શુક્રવારે ચટગાંવમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બે નેતાઓની ધરપકડથી હિન્દુ સમુદાયના લોકો નારાજ છે.
ભગવો ધ્વજ લહેરાવતા રાજદ્રોહનો કેસ લાગે
એવો આરોપ છે કે 25 ઑક્ટોબરની રેલીમાં ભાગ લેનારા લોકોના જૂથે કથિત રીતે બાંગ્લાદેશના ધ્વજ પર એક પોલ પર ભગવો ધ્વજ લગાવ્યો હતો. આને રાષ્ટ્રધ્વજનું અપમાન માનવામાં આવતું હતું. હિન્દુ સમુદાયના નેતાઓનું કહેવું છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે અને ગુરુવારે તેઓએ 72 કલાકમાં કેસ પાછા ખેંચવાની માંગ કરી હતી. હિન્દુ સમુદાયના સભ્યો શનિવારે બીજી રેલી યોજવાની યોજના ધરાવે છે