• 25 સપ્ટેમ્બરે ખાલિસ્તાની સમર્થક રેલીમાં હિંસાની આશંકા
  • ભારતે 9 ખાલિસ્તાની સમર્થિત સંગઠનોનું લિસ્ટ આપ્યું
  • પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ ફેલાવી રહ્યા છે અફવા

ભારત પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કરી રહેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને દુનિયાએ નકારી કાઢ્યા છે. ટ્રુડોએ પોતાની સંસદમાં ભારત ઉપર એક આતંકવાદીની હત્યાનો જે પાયા વિહોણો આરોપ લગાવ્યો હતો તે આરોપોના સમર્થનમાં દુનિયાનો એક પણ દેશ કેનેડાની સાથે ઊભો નથી. આ દરમિયાન કેનેડામાં ફેલાઈ રહેલા ખાલિસ્તાનનું પાકિસ્તાન સાથે લિંક હોવાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓને તેજ કરવા માટે ફંડિંગ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાંક મહિનાઓમાં કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાનીઓના આકાઓને મોટી સંખ્યામાં ફંડિંગ મળ્યું છે. તેનો ઉપયોગ લોકોને પ્રદર્શન સ્થળે લઈ જવા માટે, પોસ્ટર્સ, બેનરસ અને ભારતના વિરોધમાં યુવાનોને ભડકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહી ભારતથી અભ્યાસ કરવા માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને ષડયંત્રમાં સામેલ કરવાનું પ્લાનિંગ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

25 સપ્ટેમ્બરે ખાલિસ્તાની સમર્થક રેલીમાં હિંસાની આશંકા

બીજી બાજુ, કેનેડામાં 25 સપ્ટેમ્બરે ભારતના વિરોધમાં આયોજિત ખાલિસ્તાની સમર્થિત રેલીમાં હિંસાની આશંકા સેવવામાં આવી છે. વાસ્તવમાં, કેનેડામાં ખાલિસ્તાનીઓએ 25 સપ્ટેમ્બરે ભારતીય હાઇ કમિશન સામે પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. કેનેડામાં તૈનાત ભારતીય ડિપ્લોમેટ્સ અને ભારતીય નાગરિકોને ખાસ કરીને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેનેડામાં રહી રહેલ 20થી વધુ ખાલિસ્તાની પાકિસ્તાનના ISI સાથે મળીને કેનેડામાં ભારત વિરોધી મોટું ષડયંત્ર રચી રહ્યા છે.

ભારતે 9 ખાલિસ્તાની સમર્થિત સંગઠનોનું લિસ્ટ આપ્યું

ભારતે કેનેડાને 9 એવા ખાલિસ્તાની સમર્થિત સંગઠનોનું લિસ્ટ આપ્યું છે જે કેનેડામાં રહીને સતત પંજાબ સહિત સમગ્ર દેશમાં જુદા જુદા સ્થળોએ હિંસા અને આતંકી ષદયંત્રોને અંજામ આપી રહે છે. તેમ છતાં કેનેડાના પીએમ ટ્રુડો ભારતના વિરોધમાં વગર કોઈ તથ્યો અને પુરાવાઓએ મનફાવે તેમ આરોપો લગાવી રહ્યા છે.

પાકિસ્તાન સાથે સંકળાયેલ સોશિયલ મીડિયા હેન્ડલ ફેલાવી રહ્યા છે અફવા

ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલ તણાવને લઈને પાકિસ્તાન સાથે સંકળાયેલ અનેક સોશિયલ મીડિયા હેન્ડલ અફવાઓ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા એવા કેટલાય ટ્વિટર હેન્ડલ અંગે જાણવા મળ્યું છે. આ અકાઉન્ટ્સ જૂન વિડીયો શેર કરીને આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે.


  • Follow us on: