વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં ભારતની લોકશાહીની શક્તિ અને છેલ્લા 12 વર્ષમાં થયેલી વિકાસયાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતના લોકતંત્રની સૌથી મોટી તાકાત એ છે કે તેણે એક સામાન્ય 'ચા વાળાને' દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યો છે.
છેલ્લા 12 વર્ષમાં દેશની GDP બમણી થઈ
પીએમ મોદીએ જણાવ્યું કે સતત 12 વર્ષ સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપવાનો મોકો મળવો તેમના જીવનનું મોટું સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે આ તેમની વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ભારતના મજબૂત લોકતંત્રની જીત છે. ભારતની પ્રગતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશની GDP બમણી થઈ છે અને એરપોર્ટોની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પેરિસ પ્રકાશ અને રંગોનું શહેર: વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ મહિલાઓના સશક્તિકરણનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે ભારતીય મહિલાઓ સમાજ અને અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહી છે. પેરિસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે પેરિસ પ્રકાશ અને રંગોનું શહેર છે, પરંતુ અહીં વસતા ભારતીયોએ તેને વધુ રંગીન બનાવ્યું છે. તેમણે કહ્યું કે અહીં ભારતના દરેક ખૂણાના લોકો રહે છે, જેમાં તમિલ, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સમાજના લોકોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ભારત આજે વિશ્વમાં મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે બીજા ક્રમે પહોંચ્યું છે અને ટેક્નોલોજી તથા નવીનતાના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ફ્રાન્સમાં વસતા ભારતીયોને ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા અને 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ પણ પહોંચાડી.
ભારત-ફ્રાન્સ મળીને તૃષ્ણા સેટેલાઈટ લોન્ચ કરશે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જાહેરાત કરતા કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો ગાઢ છે અને આગામી મહિને ભારત-યુકે ટ્રેડ ડિલ લાગુ થઈ શકે છે. ભારત ભવિષ્યને આકાર આપી રહ્યું છે. ભારત-ફ્રાન્સ સાથે મળીને તૃષ્ણા સેટેલાઈટ લોન્ચ કરશે. આ સિવાય ફૂટબોલ ભારત અને ફ્રાન્સને કનેક્ટ કરે છે. ફ્રાન્સની ફૂટબોલ ટીમને મારી શુભકામનાઓ છે. ભારતનો મોટો વર્ગ ફ્રાન્સની ફૂટબોલ ટીમનો ફેન્સ છે.













