• કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો
  • નિજ્જરની હત્યા સાથે ભારત સરકારની સાંઠગાંઠ હોવાથી એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા:કેનેડાના વિદેશમંત્રી
  •  દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા વચ્ચેના જોડાણની તપાસ કરી રહી છે:ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારત સરકારની સાંઠગાંઠ છે. ત્યાર બાદ કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ સોમવારે (18 સપ્ટેમ્બર) એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. અહેવાલ મુજબ, અગાઉ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે દેશની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદીની હત્યા વચ્ચેના જોડાણની તપાસ કરી રહી છે.

જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું હતું કે કેનેડામાં ભારતીય ગુપ્તચર ચીફને હાંકી કાઢવામાં આવ્યા છે. જોલીએ કહ્યું હતું કે, જો સંબંધ સાચો સાબિત થશે તો તે આપણા સાર્વભૌમત્વનું અને સૌથી મૂળભૂત નિયમનું ઉલ્લંઘન હશે કે દેશોએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ."

જસ્ટિન ટ્રુડોએ રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાત કરી

જોલીએ  જણાવ્યું હતું કે, અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જસ્ટિન ટ્રુડોએ આ મામલો અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સમક્ષ ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સમાં બોલતા કહ્યું હતું કે, તેમણે જી-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આ (ખાલિસ્તાનીઓની મોત) મુદ્દો ઉઠાવ્યો હતો.

કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારના એજન્ટ અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, હું ભારત સરકારને આ મામલાના તળિયે જવા માટે કેનેડાને સહકાર આપવા ભારપૂર્વક વિનંતી કરું છું.

'ઇન્ડો-કેનેડિયન સમુદાયના લોકો ભયભીત'

PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ જાણે છે કે ઈન્ડો-કેનેડિયન સમુદાયના કેટલાક સભ્યો ગુસ્સે અથવા ડર અનુભવે છે. તેમણે આવા લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. આ દરમિયાન સુરક્ષા પ્રધાન ડોમિનિક લેબ્લેન્કે જણાવ્યું હતું કે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડિયન સ્પાય સર્વિસના વડા તેમના સમકક્ષોને મળવા અને ભારતીય ગુપ્તચર એજન્સીઓના આરોપોનો સામનો કરવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે.

10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત G20 સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટની બાજુમાં તેમની બેઠક દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદ અને વિદેશી હસ્તક્ષેપ અંગે ચર્ચા કરી હતી.

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરનો કેસ

મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર આ વર્ષે 18 જૂને ગોળીબારમાં માર્યો ગયો હતો. નિજ્જરની કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2022માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પુજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતો નિજ્જર KTFનો ચીફ હતો.

  • Follow us on: