- હરદીપ નિજ્જરની હત્યાને લઈ ભારત-કેનેડાના સંબંધો વણસ્યા હતા
- આતંકી હરદીપસિંહ નિજ્જરને ગોળી મારી હુમલાખોર કારમાં પલાયન થયો
- કેનેડામાં હાલ હત્યાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની ગત વર્ષે જૂનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હુમલાખોર નિજ્જરને ગોળી મારી દોડતો નજરે આવી રહ્યો છે. નિજ્જરની હત્યાને લઈ બે દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી. હજી સુધી આ વિવાદને બે દેશ ઉકેલ નથી લાવી શક્યું.
વીડિયોમાં શું છે
કેનેડામાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીની તત્કાલીન અધ્યક્ષ હરદીપસિંહ નિજ્જરની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા દીધી હતી. જે વીડિયો હવે સામે આવ્યો છે એમાં ઘટનાના દિવસે હરદીપસિંહ નિજ્જર પોતાની પિક-અપ ટ્રકથી ગુરુદ્વારાના પાર્કિંગથી નીકળી જેવો બહાર આવ્યો કે, અચાનક તેની કારની આગળ સફેદ રંગની અન્ય કાર આવીને રોકાય છે. જેમાં બે લોકો બહાર આવીને હરદીપસિંહ નિજ્જર પર ફાયરિંગ કરે છે. વીડિયો કેનેડાના એક મીડિયા હાઉસે પ્રસિદ્ધ કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નિજ્જરને ગોળી માર્યા પછી હુમલાખોર સિલ્વર રંગની કારમાં પલાયન થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, જે ઘટનાસ્થળે નિજ્જરને ગોળી મારી હતી ત્યાંથી થોડે દૂર બે યુવક ફૂટબોલ રમી રહ્યા હતા. જેવી ગોળીનો અવાજ સંભળાયો કે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાક્ષી યુવકે જણાવ્યું કે તે નિજ્જરની મદદ માટે તેની નજીક ગયો અને બીજા યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાક્ષીએ જણાવ્યું કે જે કારમાં હુમલાખોર ફરાર થયો હતો તે કારમાં પહેલાથી ત્રણ લોકો અંદર બેઠેલા હતા.
નિજ્જરની હત્યાને લઈ ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા
હરદીપસિંહ નિજ્જરની હત્યાને નવ મહિનાનો સમય પસાર થઈ ગયો છે. પરંતુ હજી સુધી કેનેડિયન પોલીસ શંકાસ્પદોના નામનો ખુલાસો નથી કરી શકી.આ ઉપરાંત આ કેસમાં કોઈની ધરપકડ પણ નથી થઈ. હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈ કેનેડાના પીએમે આરોપ લગાવ્યો હતો કે હત્યાકાંડમાં ભારત સરકારનો હાથ છે. કેનેડાના પીએમના આરોપોથી ભારત-કેનેડાના સંબંધ ખરાબ થયા હતા. કેનેડાના આરોપોને ભારતે પાયાવગરના ગણાવી ફગાવી દીધા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કેનેડા તરફથી નિજ્જરની હત્યા અંગે કોઈ પુરાવા નથી આપ્યા.