- ભારત અને કેનેડા વચ્ચે હરદીપ સિંહની હત્યાને લઈને તણાવ
- કેનેડાના PMના ભારત પરના આરોપો 'અત્યંત ચિંતિત' છે:અમેરિકા
- કેનેડા તપાસ કરે અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવે તે આવશ્યક છે
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે.
કેનેડાના આરોપો પર અમેરિકા ચિંતિત
અમેરિકાએ કહ્યું છે કે કેનેડાના Surrey શહેરમાં એક 'શીખ કાર્યકર્તા'ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી તે 'અત્યંત ચિંતિત' છે.
અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું હતું, 'અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. કેનેડા તપાસ કરે અને ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવે તે આવશ્યક છે.
નિજ્જરની હત્યામાં સામેલ ભારતીય એજન્ટનો હાથ: ટ્રુડો
તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા સરકારે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટનમાં ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય: ટ્રુડો
PM ટ્રુડોએ કેનેડાની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા બાદ અમારી તપાસ એજન્સી ભારતીય એજન્ટોની ભૂમિકાની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય છે અને તે આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. ભારતે સંસદમાં ટ્રુડોના આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં પીએમ ટ્રુડોના નિવેદનને વાહિયાત અને ભ્રામક ગણાવ્યું હતું.
કેનેડાના હુમલા બાદ ભારતનો વળતો પ્રહાર
કેનેડા અને ભારત વચ્ચે કડવાશ વધી રહી છે. કેનેડાના હુમલા બાદ હવે ભારતે વળતો પ્રહાર કર્યો છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારી વિરુદ્ધ ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. હકીકતમાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. ત્યાર બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા અને કેનેડિયન હાઈ કમિશનરને આ નિર્ણય વિશે જાણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત રાજદ્વારીને આગામી 5 દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.