- સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે કોરોના અંગે આપી ચેતવણી
- એક જ સપ્તાહમાં કોરોનાના 75 ટકા કેસ વધ્યા
- હોસ્પીટલમાં બેડની સંખ્યા વધી, માસ્ક પહેરવાની સૂચના
ચીનના વુહના શહેરની વાયરોલોજી લેબોરેટરીએ દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સિંગાપુરમાં કોરોના વાયરસે માથું ઉચકયું છે. મળતી માહિતી મુજબ સિંગાપુરમાં છેલ્લા 7 દિવસમાં 56,000 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. સિંગાપુરના આરોગ્ય વિભાગે તો દેશમાં ફરી કોરોનાની એક નવી લહેર આવવાની શંકા વ્યકત કરી છે. સિંગાપુર આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના વધતા જતા નવા કેસોએ નવેસરથી ચિંતા વધી છે.
માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના 75 ટકા જેટલા કેસ વધ્યા છે. આથી હવે દરરોજ કોરોના અપડેટ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. સિંગાપુરમાં જે કોરોના વેરિએન્ટ જોવા મળે છે તેનું નામ JN-1 છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિએન્ટ હાલતો ખતરનાક જણાતો નથી પરંતુ વધતા જતા સંક્રમણને જરાં પણ હળવાશથી લઇ શકાય નહી. સિંગાપુરની સરકારે ભીડવાળી જગ્યાએ જતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે સાથે જરુર પડે ત્યારે ઘરની બહાર ન નિકળવાની તથા કોરોનાના સામાન્ય લક્ષણ અનુભવાય કે તરત જ ડૉકટરનો સંપર્ક સાધવાની સૂચના અપાઇ છે.













