જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 70 ટકા અમેરિકી હિંદુઓએ ટ્રમ્પને વોટ આપ્યો છે. જેથી હવે હિંદુ સમુદાયના લોકો ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પના કામને જોશે. ત્યારબાદ આ અંગે કોઈ ધારણા બનાવી શકે છે. હજી હિંદુઓની આશા છે કે, તેઓ તેઓના અને ભારત માટે સારું કામ કરશે. ભારત-અમેરિકી નેતાએ કહ્યું કે, સમુદાયના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને બાંગ્લાદેશી હિંદુઓના પક્ષમાં તેઓની આકરી પ્રતિક્રિયાને લીધે મત આપ્યો હતો.
તેમણે કહ્યું કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અપરાધો પર અવાજ ઉઠાવ્યો હતો. હવે તેઓ પદ સંભાળ્યા બાદ શું કરે છે તેના આધારે નિર્ણય કરવામાં આવશે. બારાઈનું માનવું છે કે 5 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 70 ટકા હિંદુ અમેરિકનોએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને મત આપ્યો હતો, પરંતુ તેમણે આ દાવા અંગે કોઈ માહિતી આપી નથી. બારાઈએ આ આંકડાને સમર્થન આપવા માટે કોઈ સર્વેને ટાંક્યો નથી.
હિંદુઓ ડેમોક્રેટ્સથી નારાજ હતા
બરાઈએ કહ્યું કે સમુદાયના લોકોએ ટ્રમ્પને મત આપ્યો કારણ કે તેઓ ડેમોક્રેટિક પાર્ટીથી નિરાશ હતા કે જેઓ ભારત જેવા દેશો માટે "રાજકીય હથિયાર" તરીકે માનવાધિકારનો ઉપયોગ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઓગસ્ટમાં શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે કોઈ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. તેમણે કહ્યું કે હિંદુ અમેરિકનોની વસ્તી ભલે ઓછી હોય, પરંતુ તેઓ એક મહત્વપૂર્ણ મતદાર સમૂહ છે. તેમણે કહ્યું, "હું માનું છું કે આ વખતે 70 ટકા હિંદુ અમેરિકનોએ ટ્રમ્પને મત આપ્યો છે."