ઈરાન દેશનું ચલણ રિયાલ બુધવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. વર્ષ-2015માં ઈરાની રિયાલ એક ડોલરની સરખામણીએ 32,000 રિયાલ હતું અને આજે સૌથી નીચલા સ્તરે 703,000 પર પહોંચી ગયું છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ચુકી છે. અમેરિકામાં થઈ રહેલા આ ફેરબદલની ઈરાન પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. ઈરાનનું ચલણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે, કારણ કે ટ્રમ્પની વાપસી ઈરાન માટે સારી દેખાઈ રહી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ઈરાન પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે અને તેઓ ઈઝરાયલના કટ્ટર સમર્થક છે. આવી સ્થિતિમાં ઈરાનના ખરાબ દિવસો તેમણે ચાર્જ સંભાળ્યા પહેલા જ શરૂ થઈ ગયા છે. ઈરાનનું ચલણ, રિયાલ, બુધવારે એક યુએસ ડોલર સામે 703,000 રિયાલ પર ટ્રેડિંગ કરીને, ઓલટાઈમ નીચા સ્તરે આવી ગયું હતું.
ટ્રમ્પે પરમાણુ કરાર તોડ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ ઈરાન વિરુદ્ધ ઘણાં પગલાં લીધાં હતાં. ઈરાને વર્ષ-2015માં વિશ્વ શક્તિઓ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્ષ-2018માં ટ્રમ્પે અમેરિકાને તે પરમાણુ કરારમાંથી બહાર કાઢ્યું અને ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા અને તેની આર્થિક સ્થિતિ નબળી પાડી હતી.
વર્ષ-2015માં ઈરાની રિયાલ એક ડોલર સામે 32,000 રિયાલ હતો. તાજેતરના પરિણામો પછી, તે 703,000 રિયાલના તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.
મધ્ય પૂર્વ યુદ્ધ પર અસર
અત્યારે અમેરિકાનો સૌથી મહત્વપૂર્ણ સાથી ઈઝરાયેલ ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ સામે લડી રહ્યો છે. જ્યારે અમેરિકા ઇઝરાયલને લશ્કરી અને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રના લશ્કરોને ઈરાનનું સમર્થન છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના પરત ફર્યા બાદ ઈઝરાયલ વધુ બેફામ બની શકે છે. જેના કારણે મધ્ય પૂર્વમાં તબાહી થઈ શકે છે.