- ડોનાલ્ડ ટ્રમ્પે દેશના રાષ્ટ્રપતિ જો બાઈડેન આરોપ લગાવ્યો
- ઈઝરાયેલ પર હમાસના હુમલાને પરોક્ષ રીતે ભંડોળ આપવાનો આરોપ
- અમેરિકન કરદાતાઓના નાણાંએ આ હુમલાઓને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના રાષ્ટ્રપતિ જો બાઈડેન પર ઈઝરાયેલ પર હમાસના હુમલાને પરોક્ષ રીતે ભંડોળ આપવાનો આરોપ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, હમાસ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ અત્યાચારી છે અને ઇઝરાયેલને જબરજસ્ત બળ સાથે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે અફસોસની વાત એ છે કે, અમેરિકન કરદાતાઓના નાણાંએ આ હુમલાઓને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી હતી જે ઘણા અહેવાલો અનુસાર બાઈડેન વહીવટીતંત્ર તરફથી આવ્યા છે. ટ્રમ્પના આરોપોના સમર્થનમાં રિપબ્લિકન પાર્ટીનો દાવો છે કે પ્રિઝનર એક્ટ કરારના ભાગરૂપે ગયા મહિને ઈરાનને આપવામાં આવેલા 6 બિલિયન ડોલર (લગભગ રૂ. 500 કરોડ)નો ઉપયોગ હમાસના હુમલાને ફંડ આપવા માટે કરવામાં આવ્યો હતો.
વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરીનું નિવેદન
વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આ દરેક રીતે શરમજનક જૂઠ છે. તે પણ એવા સમયે જ્યારે બંને પક્ષોએ ઈઝરાયેલના સંરક્ષણના સમર્થનમાં સંપૂર્ણ રીતે એક થવું જોઈએ. આ નાણાનો ઉપયોગ માત્ર ખોરાક અને દવા જેવી માનવ જરૂરિયાતો ખરીદવા માટે જ થઈ શકે છે.
હમાસ જૂથે આ હુમલાને ઓપરેશન અલ-અક્સા ફ્લડ નામ આપ્યું
દાયકાઓથી ચાલેલા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં સૌથી લોહિયાળ સંઘર્ષમાં હમાસે લગભગ 5,000 રોકેટ વડે મોટા પાયે હુમલો કર્યો હતા. જેના કારણે ઈઝરાયેલના લગભગ 300 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 1800 લોકો ઘાયલ થયા હતા. ગાઝા અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તાર પર તીવ્ર ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 232 પર પહોંચી ગઈ છે અને લગભગ 1,700 ઘાયલ થયા છે.
હમાસના લડવૈયાઓએ હજારો રોકેટ છોડ્યા અને ગાઝાના સુરક્ષા અવરોધનો ભંગ કર્યો હતો. નજીકના ઇઝરાયેલી નગરો અને લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યો છે. ઉગ્રવાદી હમાસ જૂથના લોકોએ ઈઝરાયેલના લોકોને પણ નિશાન બનાવ્યા હતા. તેઓએ પસાર થતા લોકો પર પણ ગોળીબાર કર્યો હતો. ઉગ્રવાદી હમાસ જૂથે આ હુમલાને ઓપરેશન અલ-અક્સા ફ્લડ નામ આપ્યું છે. તેમણે પશ્ચિમ કાંઠાના પ્રતિકાર લડવૈયાઓ તેમજ આરબ અને ઇસ્લામિક દેશોને લડાઈમાં જોડાવા માટે હાકલ કરી હતી.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નિવેદન
હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે કહ્યું હતું કે જૂથ એક મોટી જીતની આરે છે. ઈઝરાયેલ સંરક્ષણ દળોએ પણ ઘાતક હુમલાના જવાબમાં યુદ્ધની ઘોષણા કરી હતી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે IDF હમાસની ક્ષમતાઓને નષ્ટ કરવા માટે તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. અમે તેમના પર અંત સુધી હુમલો કરીશું અને આ અંધકારમય દિવસનો બદલો લઈશું જે તેઓ ઇઝરાયલ અને તેના લોકો પર લાવ્યા છે.