દુબઈ એક એવું શહેર છે જે ઘણા બધા લોકોના સપનાનું નગર છે. અહીં આકાશને આંબતી બુર્ઝ ખલીફા, વૈભવી લાઈફસ્ટાઈળ અને બેસ્ટ જોબ માટે સૌને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ દુબઈની ઓળખ માત્ર એની ગગનચુંબી ઈમારતો અને ઝાકઝમાળ ભરેલી જિંદગી જ નહીં આ શહેર તેના મૂલ્યો માટે પણ ઓળખાય છે. જે માનવતા પર વધુ વિશ્વાસ કરાવે છે. તાજેતરમાં દુબઈમાં એક એવો કિસ્સો સામે આવ્યા જ્યાં લોકો પૈસા અને કીર્તિની કામનામાં ભાગે છે. જ્યારે હમાદા અબુ ઝૈદ એક ટેક્સી ડ્રાયવરે ઈમાનદારીનો ઉત્તમ ઉદાહર રજૂ કર્યું છે. જેને વિશ્વ આખું યાદ રાખશે.
એક સામાન્ય દિવસની શિફ્ટ દરમિયાન, અબુ ઝૈદની ટેક્સીમાં એક મુસાફર 10 લાખ દિરહામનો સામાન ભૂલીને જતો રહ્યો હતો. હવે જો 10 લાખ દિરહામને ભારતીય રૂપિયામાં માપવામાં આવે તો તે અંદાજે 2.21 કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી રકમ મેળવ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાનું સ્વપ્ન જોઈ શકે છે, પરંતુ અબુ ઝૈદે એક ક્ષણ માટે પણ લોભને પોતાના પર હાવી થવા દીધો નહીં. તેણે તરત જ આ વસ્તુ પોલીસને સોંપી દીધી જેથી તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે.
દુબઈ પોલીસે અબુ ઝૈદની ઈમાનદારીને સલામ કરી
અલ બરશા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં પોલીસ ડિરેક્ટર બ્રિગેડિયર માજિદ અલ સુવૈદી દ્વારા અબુ ઝૈદને તેની પ્રામાણિકતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અબુ ઝૈદ જેવા લોકો દુબઈની પ્રતિષ્ઠા તો વધારે છે જ, પરંતુ સમાજમાં વિશ્વાસ અને સહકારને પણ મજબૂત બનાવે છે. આ પ્રસંગે અબુ ઝૈદને પ્રમાણપત્ર અને સન્માન આપીને તેમની નિઃસ્વાર્થ ભાવના માટે પ્રશંસા કરવામાં આવી હતી.
અબુ ઝૈદની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. લોકો આ ઈજિપ્તના ટેક્સી ડ્રાઈવરના વખાણ કરતાં થાકતા નથી. કોઈ કહે છે કે દુનિયાને અબુ ઝૈદ જેવા લોકોની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતી વખતે એક યુઝરે તેને દુબઈ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. જ્યારે કોઈએ કહ્યું કે વ્યક્તિની અસલી ઓળખ તેની ઈમાનદારી અને જવાબદારીમાં છુપાયેલી હોય છે.