- ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલ પહોંચ્યા
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇઝરાયેલના પીએમ તેલ અવીવની મુલાકાત લેશે
- મેક્રોન ઇઝરાયેલ પ્રત્યે એકતા દર્શાવશે અને આતંકવાદી જૂથો સામેની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટ કરશે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારે એટલે કે આજે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેઓ ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરવા તેલ અવીવ પહોંચ્યા છે. અહેવાલ મુજબ, મેક્રોન ઇઝરાયેલ પ્રત્યે એકતા દર્શાવશે અને આતંકવાદી જૂથો સામેની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટ કરશે. મેક્રોનના કાર્યાલયે 22 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત માટે તેલ અવીવની મુલાકાત લેશે.
ઈમેન્યુઅલ મેક્રોન આજે ઈઝરાયેલની મુલાકાતે
અહેવાલ મુજબ, ઇમેન્યુઅલ મેક્રોન ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ અને મધ્યવાદી વિપક્ષી નેતાઓ બેની ગેન્ટ્ઝ અને યાયર લેપિડને મળશે. મેક્રોનની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનાક, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીની મુલાકાતના થોડા દિવસો બાદ આવી છે.
અહેવાલ અનુસાર, 17 ઓક્ટોબરે મેક્રોને ઈઝરાયેલમાં હમાસના ઘાતક આતંકવાદી હુમલા બાદ તેલ અવીવની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયેલને ચુસ્તપણે સમર્થન આપ્યું છે. હકીકતમાં હમાસના હુમલામાં 1400 ઇઝરાયલી માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર માર્યા ગયેલાઓમાં 30 ફ્રેન્ચ નાગરિકો પણ સામેલ છે અને સાત લોકો હજુ પણ ગુમ છે.
મેક્રોને ઈઝરાયેલ હુમલાની નિંદા કરી
મેક્રોને 8 ઓક્ટોબરે તેમના ઇઝરાયેલના સમકક્ષ આઇઝેક હરઝોગ અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી. તેમણે ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી અને ફ્રાન્સના સમર્થનની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેં રાષ્ટ્રપતિ હરઝોગ અને PM નેતન્યાહૂ સાથે વાત કરી છે. હું ગાઝાથી ઈઝરાયેલ તેના સૈનિકો અને તેના લોકો પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરું છું. ફ્રાન્સ ઈઝરાયલ અને ઈઝરાયેલીઓ સાથે એકતામાં ઊભું છે.