- હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધને 100 દિવસથી વધુ સમય થયો
- બંધકોએ ઈઝરાયલને યુદ્ધ રોકવાની કરી અપીલ
- હમાસે ધમકી આપી કે, ''જલ્દી થશે આ લોકોનાં ભાગ્યનો નિર્ણય''
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે રવિવારે હમાસ તરફથી એક વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ઈઝરાયલી બંધક દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં બંધક પોતાની સરકારને પેલેસ્ટિન જૂથ (હમાસ) વિરુદ્ધ હુમલા રોકવા અને તેઓને છોડવા વિનંતી કરતા નજરે પડી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને 100 કરતાં વધુ દિવસો પૂર્ણ થઈ ગયા છે. વીડિયોમાં હમાસે ધમકી આપીને કહ્યું કે, ''જલ્દી થશે આ લોકોનાં ભાગ્યનો નિર્ણય'' હમાસે જાહેર કરેલા વીડિયોમાં 26 વર્ષીય નોઆ અરગમાની, 53 વર્ષીય યોસી શારબી અને 38 વર્ષની એક યુવતી જોવા મળી રહ્યાં છે. 37 સેંકન્ડના વીડિયોમાં હમાસના લોકો કહે છે કે, ''આવતીકાલે તમારા ભાગ્ય અંગે જાહેર કરીશું. '' આ અગાઉ રવિવારે હમાસે કહ્યું હતું કે ઈઝરાયલી સૈન્ય ગાઝા પર ગોળીબારને લીધે કેટલાક બંધકો સાથે તેનો સંપર્ક તૂટી ગયો છે. અને કદાચ આમાં તેઓનાં મોત નિપજયા છે. યુદ્ધના શરૂઆતમાં હમાસે ઈઝરાયલી સૈન્ય હુમલાના જવાબમાં બંધકોની હત્યા કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
ઈઝરાયલના અધિકારીઓએ બંધકોને લઈ હમાસને જાહેર સંદેશનો જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. આને મનૌવૈજ્ઞાનિક યુદ્ધ જણાવ્યું હતું. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે એક ફોરેન્સિક અધિકારીને 31 ડિસેમ્બરે સ્થાનિક માધ્યમને જણાવ્યું હતું કે મૃતક બંધકોના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ હમાસના દાવાથી અલગ જોવા મળ્યું છે. હમાસે દાવો કર્યો હતો કે તેઓ હવાઈ હુમલામાં માર્યા ગયા છે.













