• ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર તેના હુમલાઓ વધુ તીવ્ર કર્યા
  • હમાસને જડમૂળથી ઉખેડવા માટે ઈઝરાયેલના સંરક્ષણ દળની આક્રમક લડાઈ 
  • ઇઝરાયેલની વાયુસેનાના 100થી વધુ ફાઇટર જેટ્સે એક સાથે ગાઝા પટ્ટી પર બોમ્બમારો કર્યો

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 22 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર તેના હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે. હમાસને જડમૂળથી ઉખેડવા માટે ઈઝરાયેલના સંરક્ષણ દળે આક્રમક રીતે લડાઈ શરૂ કરી છે. ઇઝરાયેલની વાયુસેનાના 100થી વધુ ફાઇટર જેટ્સે એક સાથે ગાઝા પટ્ટી પર બોમ્બમારો કર્યો હતો.

અમેરિકન યુદ્ધ જહાજો પણ હુમલો કરવા તૈયાર 

હમાસના એરફોર્સ ચીફ અને નેવલ કમાન્ડો બ્રિગેડના વડા આસેમ અબુ રકાબા ઈઝરાયેલી સેનાના હુમલામાં માર્યા ગયા છે. વેસ્ટ બેંકમાં ઘૂસીને ઈઝરાયેલી સેનાનું ઓપરેશન ચાલુ છે. ઈઝરાયેલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. હમાસના ઘણા લડવૈયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. IDF પણ બખ્તરબંધ વાહનો સાથે ગાઝામાં પ્રવેશ્યું છે. તો બીજી તરફ અમેરિકન યુદ્ધ જહાજો પણ હુમલો કરવા તૈયાર છે. 

ઇઝરાયલી આર્મીના સધર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ જેએ કહ્યું હતું કે, 'અમે ગાઝા પટ્ટીમાં અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી આગનો વરસાદ કરી રહ્યા છીએ. હવાઈ, જમીન અથવા ભૂગર્ભ દ્વારા IDF દરેક હમાસ આતંકવાદી નાના કે મોટા અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરશે.

આરએમએ (ચીફ ઓફ એર ઓપરેશન્સ ગ્રૂપ) લેફ્ટનન્ટ કર્નલ ગિલાડ કીનને કહ્યું હતું કે, 'આજે રાત્રે લગભગ સો ફાઇટર પ્લેન્સે હવાઈ હુમલા કર્યા હતા. સેંકડો બોમ્બ ફેંક્યા અને હમાસ આતંકવાદી સંગઠનના લક્ષ્યોને નષ્ટ કર્યા હતા. આ અભિયાન સતત ચાલી રહ્યું છે અને વાયુસેના તેના માટે વધુ તૈયાર છે. અમે તમામ પાંખો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. IDF હમાસના હાથમાં રહેલી દરેક વસ્તુનો નાશ કરશે.

7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં મોટા પાયે લોકોની હત્યા

IDF ફાઈટર જેટ્સે હમાસના એર સ્ટ્રાઈક ચીફ અસમ અબુ રકાબા પર પણ હુમલો કર્યો હતો. અબુ રકાબા હમાસના યુએવી, ડ્રોન, પેરાગ્લાઈડર, હવાઈ હુમલા અને સંરક્ષણ માટે જવાબદાર હતો. 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં મોટા પાયે લોકોની હત્યામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પેરાગ્લાઈડર દ્વારા ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓની કમાન સંભાળી હતી.

ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર પ્લેન્સે શુક્રવારે રાત્રે ઉત્તરી ગાઝા પટ્ટીમાં જ્યાં હમાસના આતંકવાદીઓ કથિત રીતે છુપાયેલા છે ત્યાં લગભગ 150 ભૂગર્ભ પાયા (ટનલ) પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા અને સુરંગો, ભૂગર્ભ લડાઈની જગ્યાઓ અને અન્ય ભૂગર્ભ હથિયારોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

હમાસના આતંકવાદીઓએ હજારો રોકેટ છોડ્યા 

7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ હજારો રોકેટ છોડ્યા હતા અને જમીન, હવા અને સમુદ્ર દ્વારા લડવૈયાઓ મોકલીને ઈઝરાયેલના શહેરો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આ મોટા હુમલામાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા.

હમાસે ગાઝામાં 220થી વધુ ઇઝરાયેલ અને વિદેશીઓને બંધક બનાવ્યા છે. ઇઝરાયેલની નેતન્યાહૂ સરકારે યુદ્ધની જાહેરાત કરી અને જવાબી કાર્યવાહી શરૂ કરી જેમાં ગાઝા પટ્ટીમાં 6,500 લોકો માર્યા ગયા હતા.

  • Follow us on: