લેબનોનના હિઝબુલ્લાહ બળવાખોર જૂથે નઈમ કાસિમને પોતાના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. હસન નસરાલ્લાહના મૃત્યુના લગભગ એક મહિના બાદ હિઝબુલ્લાએ પોતાના નેતાની પસંદ કરી છે. મહત્વનું છે કે હસન નસરાલ્લાહની ગયા મહિને ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોત થયુ હતું.
હિઝબુલ્લાએ એક નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે નઈમ કાસિમ જૂથમાં હસન નસરાલ્લાહનું સ્થાન લેશે. કાસિમ લાંબા સમયથી નસરાલ્લાહના સહાયક તરીકે કામ કરી રહ્યો હતો અને તેના મૃત્યુથી તે હિઝબુલ્લાહના કાર્યકારી નેતા તરીકે કામ કરી રહ્યો હતો.
ત્રણ દાયકા પછી બદલાયા નેતા
મહત્વનું છે કે હસન નસરાલ્લાએ લગભગ ત્રણ દાયકા સુધી આ જૂથનું નેતૃત્વ કર્યું. નસરાલ્લાહના નેતૃત્વ દરમિયાન હિઝબુલ્લાએ લેબનોનમાં તેના મૂળિયા મજબૂત કર્યા છે. હિઝબુલ્લાહની નિર્ણય લેતી શુરા કાઉન્સિલે લાંબી વિચાર-વિમર્શ બાદ નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે.
હસન નસરાલ્લાહની નીતિ પર કામ
હિઝબુલ્લાહના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે તેઓ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નસરાલ્લાહની નીતિઓ પર કામ કરવાનું ચાલુ રાખશે અને અલ-અક્સા અને પેલેસ્ટાઈનીઓને એકલા નહીં છોડે.નસરાલ્લાહની હત્યાને લેબનોનના શિયા સમુદાયમાં એક મોટા આઘાત તરીકે જોવામાં આવી હતી કારણ કે ઇઝરાયેલ તેની હત્યા પહેલા જ જૂથના ઘણા વરિષ્ઠ નેતાઓની હત્યા કરી ચૂક્યું હતું. આવી સ્થિતિમાં નઈમ કાસિમ ઈઝરાયેલના હુમલાનો સામનો કરવાની સાથે પોતાના લડવૈયાઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કરશે.
લેબનોનમાં ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા
પોતાના સંગઠનના નેતાઓની હત્યા બાદ હિઝબુલ્લા દેશમાં ઈઝરાયેલની ઘૂસણખોરી સામે લડી રહ્યું છે અને દરરોજ ઈઝરાયેલની વસાહતો પર રોકેટ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, છેલ્લા 3 દિવસમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેની લડાઈમાં 48 IDF સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઇઝરાયલે પણ લેબનોન પર તેના હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, જેના કારણે 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 2 હજારથી વધુ લોકોના મોત થયા છે.