• હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે હવે ઇસ્લામિક દેશોએ બનાવી રણનીતિ
  • હિઝબોલ્લાહના સૈયદ હસન નસરાલ્લાહ, હમાસના ડેપ્યુટી ચીફ બેઠકમાં રહ્યા હાજર
  • ઈઝરાયેલ પર 'સંપૂર્ણ વિજય' મેળવવાને લઇ રચી કૂટનીતિ

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે હવે હિઝબુલ્લાહ, હમાસ અને ઇસ્લામિક જેહાદના વડાઓ મળ્યા અને ઇઝરાયેલને હરાવવા માટે સીક્રેટ પ્લાન બનાવ્યો છે. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે. લેબનોનના હિઝબુલ્લાહ સશસ્ત્ર જૂથના વડાએ પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ, હમાસ અને ઇસ્લામિક જેહાદના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. 

આ બેઠકમાં ઈઝરાયેલ પર 'સંપૂર્ણ વિજય' મેળવવા શું કરવું જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી. બુધવારની બેઠકમાં હિઝબોલ્લાહના સૈયદ હસન નસરાલ્લાહ, હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ-અરૌરી અને ઇસ્લામિક જેહાદના વડા ઝિયાદ અલ-નખલાએ હાજરી આપી હતી. આ બેઠકમાં હમાસ દ્વારા ઑક્ટોબર 7ના ઇઝરાયેલ પરના હુમલા અને ગાઝામાં 5,700થી વધુ માર્યા ગયેલા લોકોનો બદલો લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઑક્ટોબર 7 ના હુમલાથી, હિઝબોલ્લાહ લેબનીઝ સરહદે ઇઝરાયેલી દળો સાથે દૈનિક ગોળીબારમાં સામેલ છે. લેબનીઝ જૂથે બુધવારે જાહેરાત કરી હતી કે તેના વધુ બે લડવૈયાઓ માર્યા ગયા છે, સંઘર્ષની શરૂઆતથી તેના લડવૈયાઓની મૃત્યુ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા એન્ક્લેવ સામે આક્રમણ વધારતાં 305 બાળકો સહિત 704 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કબજે કરેલા પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા.

આ સંઘર્ષ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાય તેવી આશંકા વચ્ચે, ઇઝરાયલની સૈન્યએ જણાવ્યું હતું કે તેના જેટ વિમાનોએ પડોશી દેશથી છોડેલા રોકેટના જવાબમાં સીરિયન આર્મી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવ્યું હતું. સીરિયન રાજ્ય સમાચાર એજન્સી (SANA) એ લશ્કરી સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ શહેર ડેરા નજીક ઇઝરાયેલના હુમલામાં આઠ સૈનિકો માર્યા ગયા અને 7 ઘાયલ થયા.


  • Follow us on: