• ભયાનક યુદ્ધ વચ્ચે પાકિસ્તાને પગલું ભર્યું
  • ગાઝા પટ્ટીના લોકોના હિતમાં લીધો નિર્ણય
  • પાકિસ્તાન ગાઝામાં માનવતાવાદી સહાય મોકલશે

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે પાકિસ્તાને મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાને સોમવારે જાહેરાત કરી હતી કે તે ગાઝામાં માનવતાવાદી સહાય મોકલશે. હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી અને ખાસ કરીને હમાસની જગ્યાઓ પર સતત બોમ્બમારો કરી રહી છે.

પાકિસ્તાને ગાઝાના હિતમાં કર્યો નિર્ણય

પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં માનવતાવાદી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તાત્કાલિક ગાઝામાં માનવતાવાદી સહાય મોકલવાનો નિર્ણય લીધો છે. સરકાર પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી સંબંધિત યુએન એજન્સીઓ અને સરકાર ઇજિપ્ત સાથે કામ કરી રહી છે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ કહ્યું હતું કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને તેમણે ઈરાન, તુર્કી અને ઈજિપ્તના સમકક્ષો (વિદેશ મંત્રીઓ) સાથે વાત કરી છે.

પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના દ્વારા સતત બોમ્બમારો અને ઘેરાબંધીને જોતા ત્યાંના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂર છે. આ દુર્ઘટનાને લઈ પાકિસ્તાન સરકારે અપીલ કરી છે કે, પેલેસ્ટિનિયન ભાઈઓ અને બહેનોની વેદના હળવી કરવા માટે ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી રાહત સહાય મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર આ માટે ઇજિપ્તની સરકાર અને પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી સાથે વાત કરી રહી છે.

આ પહેલા રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને નરસંહાર ગણાવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ચોક્કસપણે પેલેસ્ટાઈન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેમાં કોઈ શંકા નથી કે ઈઝરાયલે ગાઝા પર આક્રમકતા દર્શાવી છે. અમે આ સ્થિતિ પર ચોક્કસપણે ચર્ચા કરીશું.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાને હંમેશા એવું વલણ અપનાવ્યું છે કે ઈઝરાયલે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું સન્માન કરવું જોઈએ.

વીજળી, પાણી, બળતણ અને ખોરાકના પુરવઠા પર પ્રતિબંધ

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે અને હમાસ વિરુદ્ધ ઓપરેશન 'લોખંડી તલવાર' ચલાવી રહ્યું છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી અને હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહી છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી, ઈંધણ અને ખોરાકનો સપ્લાય બંધ કરી દીધો છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે તેની દૃષ્ટિએ આ સ્થિતિ અત્યંત ખતરનાક છે. સમગ્ર ગાઝામાં વીજળી અને પાણીની કટોકટી ખૂબ જ ગંભીર છે. ગાઝામાં પચાસ હજાર મહિલાઓને આરોગ્ય સેવાઓ અને શુધ્ધ પાણીનો અભાવ છે.


  • Follow us on: