- જીબુતી નેવલ બેઝથી ચીન રાખી રહ્યું છે હિંદ મહાસાગર પર નજર
- મોરેશિયસનાં અગાલેગા આઇલેન્ડ પર એરસ્ટ્રીપનું કામ પૂર્ણ
- અગાલેગા આઇલેન્ડ મોરેશિયસથી લગભગ 1100 કિમી દૂર
ઈઝરાયેલ-હમાસ વચ્ચેનાં ભીષણ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. આવી સ્થિતિમાં દરેક દેશ માટે પોતાની સીમાઓ અને નાગરિકોની સુરક્ષા માટે યથોચિત પગલા લેવા અનિવાર્ય બન્યા છે. ભારતે પણ પોતાની સંરક્ષણ શક્તિમાં વધારો કરવા અને સરહદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક જરૂરી નિર્ણયો લીધા છે. ભારતે આફ્રિકામાં ચીનને ઘેરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આફ્રિકાના જીબુતીમાં ચીનનું નેવલ બેઝ છે જ્યાંથી તે સમગ્ર હિંદ મહાસાગર પર નજર રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત જીબુતીની અંદર પોતાના નવા સૈન્ય મથક સાથે ચીનને ઘેરવાની યોજના બનાવી રહ્યું છે.
ચીનનાં બદઈરાદા
આફ્રિકામાં ચીનની વધતી જતી સૈન્ય હાજરીથી અમેરિકા સહિત આખી દુનિયા સફાળી જાગી છે. ચીને જીબુટીમાં પહેલાથી જ નૌકાદળનું બેઝ બનાવ્યું છે. ગત વર્ષે ચીને આ બેઝ પર પોતાના યુદ્ધ જહાજો તૈનાત કરીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. આ સિવાય ચીને એટલાન્ટિક તટ પર એક સાથે અનેક દેશોમાં સૈન્ય થાણા સ્થાપવાનું કામ પણ ઝડપી કર્યું છે. આવી સ્થિતિમાં ભારતે પોતાના હિતોની રક્ષા કરવા અને ચીનનો સામનો કરવા માટે જીબુતી નજીક એરબેઝનું નિર્માણ કાર્ય પણ લગભગ પૂર્ણ કરી લીધું છે. ભારત જે દેશનું એરબેઝ બનાવી રહ્યું છે તેનું નામ મોરેશિયસ છે. મોરેશિયસના અગાલેગા ટાપુ પર રનવેનું કામ પૂર્ણ થઈ ગયું છે. તાજેતરની સેટેલાઇટ તસવીરો અનુસાર રનવે સિવાય હેંગર અને રહેણાંક ઇમારતોનું કામ સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે.
3 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપનું કામ પૂર્ણ
એક મીડિયા રિપોર્ટ અનુસાર મોરેશિયસનો અગાલેગા દ્વીપ પર્યટન અને અન્ય ઉદ્યોગોથી ઘણો દૂર છે. અગાલેગા આઇલેન્ડ મોરેશિયસના મુખ્ય ટાપુથી લગભગ 1100 કિમી દૂર સ્થિત છે. તે બે ટાપુઓનો સમૂહ છે. અહીં લગભગ 300 લોકો રહે છે, જેઓ નારિયેળ અને માછલીના શિકાર દ્વારા આજીવિકા મેળવે છે. આ ટાપુના લેટેસ્ટ સેટેલાઇટ ફોટોમાં 3 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપનું કામ પૂર્ણ થયું હોવાનું જોવા મળે છે. આ મોટા રનવે પર ભારે વિમાનને સરળતાથી લેન્ડ કરી શકાય છે અને ઉડાવી શકાય છે. આ ઉપરાંત રનવેની આસપાસના વિસ્તારમાં સંખ્યાબંધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં એક વિશાળ હેંગર અને અન્ય ઈમારતોનો સમાવેશ થાય છે. આ સાથે ટાપુના એક છેડે ડીપ વોટર પોર્ટ તૈયાર છે. યુદ્ધ જહાજો જેવા મોટા જહાજોને આ બંદર પર સરળતાથી ડોક કરી શકાય છે.
ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે અગાલેગા ટાપુ ?
મોરેશિયસનું અગાલેગા આઇલેન્ડ વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ લેનની નજીક સ્થિત છે. પહેલા આ ટાપુ પર એક નાની એરસ્ટ્રીપ હતી. 2021 માં ભારતે આ ટાપુ પર રનવેના વિસ્તરણના કામને વેગ આપ્યો. ઘણા વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય નૌકાદળ અગલેગા એરબેઝની કામગીરીનું ધ્યાન રાખશે. અહીંથી P-8I સર્વેલન્સ એરક્રાફ્ટ સરળતાથી ચલાવી શકાય છે જે સમગ્ર વિસ્તારમાં સમુદ્ર પર નજર રાખી શકે છે અને જો જરૂર પડે તો સબમરીન વિરોધી યુદ્ધમાં પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. અગાલેગા દ્વીપ પર બનેલા નેવલ ડોકયાર્ડમાંથી યુદ્ધ જહાજો પણ તૈનાત કરી શકાય છે જે હિંદ મહાસાગરથી અરબી સમુદ્ર સુધી પેટ્રોલિંગ કરીને ભારતની વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત કરી શકે છે.
જીબુટીમાં ચીનનું એકમાત્ર વિદેશી સૈન્ય મથક
આ ક્ષેત્રમાં ભારત દ્વારા તેની નૌકાદળની હાજરીને મજબૂત કરવા પાછળ ચીનની વધતી આક્રમકતાને કારણ ગણાવવામાં આવી રહી છે. ચીને છેલ્લા 25 વર્ષોમાં સતત તેની સૈન્ય તાકાત વધારી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં ચર્ચા દરમિયાન આ વાતને હાઇલાઇટ કરી હતી. ચીની નૌકાદળના વિસ્તરણથી ખાસ કરીને ભારતીય સુરક્ષા વર્તુળોમાં ચિંતા વધી છે. ચીનનું એકમાત્ર વિદેશી સૈન્ય મથક જીબુટીમાં છે અને ભારત તેના પર અને પાકિસ્તાનના ગ્વાદર અને શ્રીલંકાના હંબનટોટા સહિત અન્ય બંદરો પર ચાંપતી નજર રાખે છે. ચીને આ બંને દેશોને જંગી લોન આપીને આ બંદરો પોતાના કબજામાં લીધા છે. એવી આશંકા છે કે ચીન આ બંને બંદરોનો સૈન્ય મથક તરીકે ઉપયોગ કરી શકે છે.
મેડાગાસ્કર અને સેશેલ્સ પર પણ છે ભારતની નજર
મોરેશિયસ ઉપરાંત ભારતે આ જ ક્ષેત્રમાં સ્થિત મેડાગાસ્કર અને સેશેલ્સ પર પણ નજર રાખી છે. ભારતનો પ્રયાસ આ બંને દેશો સાથે નૌકાદળની દેખરેખ સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. આનાથી માત્ર આ દેશોની સુરક્ષા જ મજબુત નહીં બને, ભારતને પૂર્વ આફ્રિકામાં વ્યૂહાત્મક ધાર પણ મળી શકે છે. સેશેલ્સ અને મેડાગાસ્કરમાં નૌકાદળ દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવાથી ભારત મોઝામ્બિક, તાંઝાનિયા, કેન્યા અને સોમાલિયાના દરિયાકિનારા પર નજર રાખી શકશે. ચાઈનીઝ યુદ્ધ જહાજો પણ અવારનવાર ચાંચિયાઓ વિરુદ્ધ ઓપરેશનના નામે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. આવી સ્થિતિમાં ભારત સરળતાથી ચીનની નૌકાદળ પર નજર રાખી શકે છે અને તેમની હિલચાલ પર નજર રાખી શકે છે.