- ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં અત્યંત ખટાશ આવી
- કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદી શકે
- ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીય લોકો માટે જાહેર કરી એડવાઈઝરી
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યંત ખટાશના બની ગયા છે. સ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ છે કે બંને દેશ એક બીજાના અધિકારીઓને પોતાના દેશમાંથી બહાર કાઢી રહ્યા છે. નોંધનીય છે કે પહેલા કેનેડાએ ભારતીય દૂતાવાસમાંથી એક અધિકારીને હાંકી કાઢ્યા હતા. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન એમ્બેસીના એક અધિકારીને હાંકી કાઢ્યા હતા.
બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કેનેડામાં રહેતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓએ એવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ જ્યાં ભૂતકાળમાં હિંસાના કિસ્સા બન્યા છે. કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને કારણે ભારત સરકાર દ્વારા આ એડવાઈઝરી આપવામાં આવી છે.
ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે સંબંધોમાં બગાડ કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ પર કેટલી અસર કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં કેનેડામાં સ્થળાંતર કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની 40 ટકાથી વધુ વસ્તી ભારતના છે. ગયા વર્ષે 2022માં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી 5,49,570 સ્ટડી પરમિટમાંથી 2,26,000 ભારતીયોને આપવામાં આવી હતી. જોકે, ભારત અને કેનેડા વચ્ચેના ખટાશના સંબંધોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ તણાવમાં છે. તેમને ડર છે કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી શકે છે.
કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદી શકે
આ સાથે કેનેડાની સરકાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પણ નિયંત્રણો લાદી શકે છે. હકીકતમાં કેનેડિયન સરકાર વધતી જતી હાઉસિંગ કટોકટીનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી શકે છે જે ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી શકે છે. માન્ય અભ્યાસ વિઝા સાથે કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2018માં 1,71,505થી વધીને 2019માં 2,18,540, 2020 માં 1,79,510, 2021માં 2,16,500 અને 2022માં 2,26,000 થઈ ગઈ છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના ડેટા અનુસાર, કેનેડામાં કાયમી રહેવાસી બનવા ભારતીયોની સંખ્યા 2013માં 32,828 હતી જે 2022માં લગભગ 260 ટકા વધીને 1,18,095 થઈ ગઈ છે.