ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધુ યુદ્ધ છેડાઈ ગયું છે. મંગળવારે મોડી સાંજથી બન્ને તરફથી હવાઈ હુમલા ચાલુ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. ઈઝરાયલની સેનાએ લેબનોનમાં ઘુસીને હિઝબુલ્લાહ લડવૈયાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ઈરાનને પણ ચેતવણી આપી છે.


UNના સેક્રેટરી જનરલને ઈઝરાયલમાં પ્રવેશવા પર પ્રતિબંધ

આ બધાની વચ્ચે ઈઝરાયલે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને તેના દેશમાં પર્સોના નોન ગ્રેટા (એવી વ્યક્તિ કે જેને હવે કોઈ સન્માન અથવા સ્વાગત નહીં મળે) તરીકે જાહેર કરવાનો અને દેશમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

એન્ટોનિયો ગુટેરેસ આતંકવાદીઓને સમર્થન આપે છે

ઈઝરાયલના વિદેશ મંત્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "કોઈપણ વ્યક્તિ જે ઈઝરાયલ પર ઈરાનના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ (ગુટેરેસ) સેક્રેટરી જનરલ છે જે ઇઝરાયલથી નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવે છે."

સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસમાં એક ડાઘ

તેમણે કહ્યું કે, આ એક મહાસચિવ છે, જેમણે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે. હમાસ, હિઝબુલ્લા, હૂતી અને હવે ઈરાન (વૈશ્વિક આતંકની માતા)ના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે, તેમને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસમાં એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઈઝરાયલ પોતાના નાગરિકોની રક્ષા કરવા અને પોતાનું રાષ્ટ્રીય ગૌરવને જાળવવાનું ચાલુ રાખશે.

ઈરાનીએ જાહેર કર્યું મોસ્ટ વોન્ટેડ લિસ્ટ, નેતન્યાહુનું નામ પણ સામેલ

ઈરાનના ગુપ્તચર મંત્રાલયે ઈઝરાયલના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. ગુપ્તચર એજન્સી દ્વારા હિબ્રૂમાં જારી કરાયેલી ધમકીમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને તેમના અન્ય ડિફેન્સ મામલાના પ્રમુખ અધિકારીઓને ખતમ કરવામાં આવશે. આ યાદીના ફોટોગ્રાફની સાથે ટોપ ત્રણમાં નેતન્યાહૂનું નામ છે, ત્યારબાદ રક્ષા મંત્રી યોઆવ ગૈલેન્ટ અને આર્મી ચીફ હર્ઝી હલેવીનું નામ છે.

લેબનોનના સરહદી શહેરમાં ચાલી રહી છે સામ-સામે લડાઈ

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે લેબેનોન પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયલે છેલ્લા 12 કલાકમાં છઠ્ઠી વખત બેરૂત પર હુમલો કર્યો છે. ઈઝરાયલે જમીન પર હુમલો કરવા માટે વધુ સૈનિકોને લેબેનોન જવાનો આદેશ આપ્યો છે. ડઝનબંધ ગામોને ખાલી કરાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. લેબનોનના હિઝબુલ્લાનું કહેવું છે કે, તેના લડવૈયાઓ સરહદી શહેર મારુન અલ રાસમાં ઈઝરાયલની સેના સાથે સામ-સામે લડી રહ્યા છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, નોર્દર્ન વિસ્તારમાં સાફેદમાં રોકેટ સાયરન બંધ કરી દેવામાં આવ્યું છે. લેબનોન સાથેની ઈઝરાયલની સરહદ પર હિઝબુલ્લાના લડવૈયાઓ સાથેની અથડામણમાં ઈઝરાયલના બે સૈનિકોના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે.

  • Follow us on: