- હિઝબ્બુલ્લાહ આતંકી જૂથ હુમલાઓ કરી લેબનોનને યુદ્ધમાં કરી રહ્યું છે સામેલ
- ઈઝરાયેલે બ્લુ લાઈનમાં સ્થિત આતંકી જૂથનાં ઠેકાણાઓ પર કર્યો હુમલો
- લેબનોનનાં આ આતંકવાદી સંગઠન પાસે છે અત્યાઘુનિક હથિયારો
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસનાં પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું છે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી સૈન્યએ દક્ષિણ લેબેનોનમાં 20 હિઝબુલ્લાહનાં સેલને ખતમ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઑક્ટોબર 7 ના રોજ હમાસનાં ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાથી શરૂ થયું ત્યારથી હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ લેબનોનથી ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસની પોઝિશન્સ અને ઉત્તર ઇઝરાયેલના શહેરો પર દરરોજ મિસાઇલ હુમલાઓ કરી રહ્યું છે.
હિઝબુલ્લાહની ખતરનાક રમત
આઈડીએફનાં પ્રવક્તા જોનાથન કોનરિકસે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ ખૂબ જ "ખતરનાક રમત" રમી રહ્યું છે અને તણાવમાં વધારો કરી રહ્યું છે. કોનરિકસે કહ્યું હતું કે હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ લેબનોનને યુદ્ધમાં ખેંચી રહ્યું છે.
હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો
ઈઝરાયેલ દ્વારા ઉત્તરીય સરહદ પર કરવામાં આવેલી કાર્યવાહીનાં સંદર્ભમાં જોનાથન કોનરિકસે ઇઝરાયેલના પ્રતિભાવને "વ્યૂહાત્મક અને સરહદની નજીકના વિસ્તારો સુધી મર્યાદિત" ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ''ઈઝરાયેલે હિઝબુલ્લાહના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે જે બ્લુ લાઈનમાં સ્થિત છે.'' તેમણે જણાવ્યું હતું કે "હિઝબુલ્લાહ વ્યૂહાત્મક અંતરથી મિસાઇલો, રોકેટ અને યુએવી ફાયર કરી રહ્યું છે. જ્યારે અમે ટેન્ક, ડ્રોન, આર્ટિલરી, પાયદળ અને અન્ય કેટલીક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. અંતે તો જેવા શસ્ત્રોથી હુમલો કરવામાં આવી રહ્યો છે તેનો અમે એ પ્રકારે જવાબ આપી રહ્યા છીએ. અમે 1701 નાં કરારનું ઉલ્લંઘન કરીને બ્લુ લાઇન પર સ્થિત વિવિધ હિઝબુલ્લાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. અમે તે સ્થાનો પર હુમલો કર્યો છે જ્યાંથી હિઝબુલ્લાહ ફાયરિંગ કરી રહ્યું હતું અને અમે વિવિધ હિઝબુલ્લાહ ટુકડીઓ પર પણ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ આતંકવાદી ટુકડીઓ કે જેઓ ટેન્ક વિરોધી મિસાઇલોનું સંચાલન કરી રહી હતી. તેને ટેન્ક દ્વારા અથવા અન્ય માધ્યમો દ્વારા પણ નષ્ટ કરવામાં આવ્યા છે."
બંધકોને સલામત મુક્ત કરાવવાનાં પ્રયાસ
હગારીએ જણાવ્યું હતું કે સેનાએ અત્યાર સુધીમાં 222 બંધકોના પરિવારોને સૂચના આપી છે કે તેમના પ્રિયજનોને ગાઝા પટ્ટીમાં રાખવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ બંધકોની ઓળખ કરવામાં અને તેમના પરિવારોને સૂચિત કરવામાં સમય લાગ્યો છે. આ બંધકોની સંખ્યામાં જુડિથ રાનન અને તેની પુત્રી નતાલીનો સમાવેશ થતો નથી જેમને શુક્રવારે રાત્રે હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધુ બંધકોને મુક્ત કરવાના પ્રયાસો માટે વધુ સમય આપવા માટે ગ્રાઉન્ડ ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે હગારીએ કહ્યું હતું કે "અમે બંધકોને મુક્ત કરાવવા અને તેમને ઘરે સુરક્ષિત લાવવા માટે તમામ રીતે પ્રયત્નો કરી રહ્યા છીએ."