તેલ અવીવમાં સોમવારે લેબનોનથી આવતા રોકેટથી જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલો લેબનોન પર ઈઝરાયલના હુમલા બાદ થયો છે. IDFનું કહેવું છે કે, તેલ અવીવમાં વિસ્ફોટ લેબનોનના રોકેટને કારણે થયો હતો જે ખુલ્લા વિસ્તારમાં પડ્યો હતો. IDFએ કહ્યું કે, અગાઉ કોઈ સાયરન વગાડવામાં આવ્યું ન હતું. કારણ કે પ્રોટોકોલ જરૂરી છે કે જો રોકેટથી કોઈ ખતરો ન હોવાનું નક્કી કરવામાં આવે તો કોઈ ચેતવણી જારી કરવામાં ન આવે.


લેબનોનથી લગભગ 45 રોકેટ છોડ્યા

હાલમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી. IDFએ વધુમાં કહ્યું કે, ગોલાન હાઇટ્સ પર લેબનોનથી લગભગ 45 રોકેટ છોડવામાં આવ્યા હતા, જે ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. તેલ અવીવ અને રમત હશારોન વિસ્તારના રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. વિસ્ફોટ પહેલા કોઈ ચેતવણી સાયરન વગાડવામાં આવ્યા ન હતા. નાહરિયા અને ગેશર હાઝિવના વિસ્તારોમાં લગભગ 6 વાગ્યે એરક્રાફ્ટ ઘૂસણખોરીના સંબંધમાં સાયરન વગાડવામાં આવ્યા હતા.

લેબનીઝ સૈનિકોના મૃત્યુ પર અફસોસ

જો કે, ઈઝરાયલની સેનાએ એક દિવસ પહેલા દક્ષિણ લેબેનોનમાં થયેલા હુમલામાં ત્રણ લેબનીઝ સૈનિકોના મોત પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તે દેશની સેના સામે લડી રહી નથી. ઈઝરાયલે કહ્યું કે, તેના સૈનિકોએ વિચાર્યું કે તેઓ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના વાહનને નિશાન બનાવી રહ્યા છે. ગયા અઠવાડિયે ગાઝામાં હમાસના ચીફના યાહ્યા સિન્વરના મોત પછી હિઝબુલ્લાએ કહ્યું કે, તે ઈઝરાયલના સૈનિકો પર આક્રમણ કરવા સામેની લડાઈમાં નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો, જે પછી ભીષણ યુદ્ધ શરૂ થયું હતું.

લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે

ઈઝરાયેલના સહયોગી દેશો, ગાઝાના રહેવાસીઓ અને અન્યોએ આશા વ્યક્ત કરી છે કે સિનવારની હત્યા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ મોકળો કરશે, પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને હમાસ બન્નેએ તેમના લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું છે. નેતન્યાહૂએ હમાસનો નાશ કરવાનું અને હમાસ દ્વારા બંધક બનાવેલા ડઝનેક લોકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે. જ્યારે હમાસનું કહેવું છે કે, તે કાયમી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઈઝરાયલના સૈનિકોને સંપૂર્ણ હટાવવા અને ફિલિસ્તીની કેદીઓને મુક્ત કરવાના બદલામાં જ બંધકોને મુક્ત કરશે.

લેબનીઝ સેના સાથે લડાઈ નહીં

ઈઝરાયલની સેનાએ કહ્યું કે, તે લેબનીઝ સેના વિરુદ્ધ કામ નથી કરી રહી. નોંધનીય છે કે, લેબનીઝ સેના એટલી મજબૂત નથી કે હિઝબુલ્લા પર પોતાની ઈચ્છા થોપવા કે લેબનોનને ઈઝરાયલના હુમલાથી બચાવી શકે. છેલ્લા એક વર્ષથી ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ દરમિયાન લેબનીઝ સેના મોટાભાગે અલગ રહી છે.

  • Follow us on: