ઈઝરાયલ ઉપર ઈરાને કરેલા હુમલા લઈ આશરે ત્રણ અઠવાડિયાથી વધુ સમય પસાર થઈ ગયો છે. આ હુમલા પછી આખું વિશ્વ એ બાબત ઉપર નજર રાખી રહ્યું છે કે ઈઝરાયલ ઈરાન પર કયારે અને કેવો વળતો હુમલો કરશે. ઈઝરાયલી સૈન્ય પહેલાથી જ જણાવી ચુકી છે કે તેને ઈરાન પર હુમલાની તૈયારી કરી નાખી છે, અને આ હુમલો ગમે તે સમયે નેતન્યાહૂના ઈશારા પછી અમલમાં મૂકવામાં આવશે.
ઈરાનના હુમલા બાદ નેતન્યાહૂએ કહ્યું હતું કે અમારા પર હુમલો કરનારાઓને અમે પાઠ ભણાવીશું. મિડલ ઈસ્ટ સ્પેક્ટેટરે દાવો કર્યો છે કે ઈઝરાયલી સેનાએ વળતા હુમલા માટે અંતિમ તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત હુમલા બાદ ઈરાન અને તેના પ્રોક્સી તરફથી મળનારી પ્રતિક્રિયાની પણ તૈયારી કરવામાં આવી છે.
ઈઝરાયેલી સેનાની તૈયારીઓ
મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો છે કે 8-16 ઑક્ટોબરના રોજ ઈઝરાયલની ત્રણ સેનાઓએ હુમલાની અંતિમ કવાયત હાથ ધરી હતી. ઑક્ટોબર 15 ના રોજ, AWACs એરક્રાફ્ટ સાથે એક કવાયત હાથ ધરવામાં આવી હતી અને ફાઇટર જેટ, બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન પણ કવાયતમાં સામેલ હતા. આ સિવાય હુમલા માટે 40 ISO2 રોક્સ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે.
ઈઝરાયલ દ્વારા ઈરાન પર હવાઈ હુમલા ઉપરાંત જમીની હુમલાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. KC-707 ટેન્કર્સ, ગલ્ફસ્ટ્રીમ એરક્રાફ્ટ સાથે એર રિફ્યુઅલિંગ, એરિયલ સપોર્ટ, સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર છે. આ ઉપરાંત, પ્રોક્સીઓ દ્વારા વળતો હુમલો સામે રક્ષણ આપવા માટે એક વિશેષ દળ તૈયાર કરવામાં આવી છે.
નેતન્યાહૂ પર નિશાન સાધતા ઈઝરાયલ ગુસ્સે ભરાયું
ગઈકાલે એટલેકે, શનિવારે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના ઘર પાસે હિઝબુલ્લાહના ડ્રોન હુમલા બાદ ઈઝરાયલની સેના સતર્ક થઈ ગઈ છે અને તેણે ઈરાન પર હુમલાની બ્લૂ પ્રિન્ટને અંજામ આપવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂએ કહ્યું છે કે ઈઝરાયૂલના દુશ્મનો માટે પરિણામ ખૂબ જ ખરાબ આવશે. મળતી માહિતી અનુસાર, ઈરાન પર હુમલા માટે 3 એરબેઝ તૈયાર કરવામાં આવ્યા છે.
મધ્ય પૂર્વમાં થઈ રહેલા આ ઘર્ષણ બાદ સમગ્ર વિશ્વમાં યુદ્ધ ભયંકર સ્વરૂપ ધારણ કરવાની ચિંતા વધી ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું સીધું યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી શકે છે, કારણ કે ગૅસ, ઓઈલ અને સોનાની સાથે સાથે આ યુદ્ધ વિશ્વના ઘણા વેપારી માર્ગોને અસર કરશે.