- ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈને એર્દોગનનું નિવેદન
- 'ઈઝરાયલે આ ગાંડપણને તાત્કાલિક બંધ કરવું જોઈએ':એર્દોગન
- એર્દોગને ગાઝા પરના હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. એર્દોગને શનિવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ગાંડપણ ગણાવી હતી. તેમણે ગાઝા પરના હુમલાઓને તાત્કાલિક બંધ કરવાની અપીલ પણ કરી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 3 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. હાલના દિવસોમાં ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયન પ્રદેશ પર હુમલા તેજ કર્યા છે.
ગાઝા પર હુમલાઓ બંધ કરો:એર્દોગન
તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્વિટર પર કહ્યું હતું કે, ગાઝા પર ઇઝરાયેલનો બોમ્બમારો ગઇકાલે રાત્રે વધુ તીવ્ર બન્યો અને ફરી એકવાર મહિલાઓ, બાળકો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં માનવીય સંકટ વધુ તોડાયું છે. એર્દોગાને પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે,'ઇઝરાયલે તાત્કાલિક આ ગાંડપણ બંધ કરવું જોઈએ અને તેના હુમલાઓ બંધ કરવા જોઈએ'.
ઈઝરાયેલના હુમલામાં 7,300 લોકોના મોત થયા
હમાસ લડવૈયાઓએ 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલની સરહદ પાર કરીને વિનાશ વેર્યો હતો જેમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા અને સેંકડો ઇઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા. હમાસે ઈઝરાયેલના વિસ્તારમાં હુમલો કરીને 229ને બંધક બનાવ્યા છે. આથી ઈઝરાયેલ હવે હવાઈ હુમલા બાદ જમીન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં 7,300થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં લગભગ 3,000 બાળકોનો સમાવેશ થાય છે.
અગાઉ હમાસની તરફેણમાં નિવેદન આપ્યું
અગાઉ એર્દોગને કહ્યું હતું કે હમાસ આતંકવાદી સંગઠન નથી પરંતુ મુક્તિ સંગઠન છે. જે પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન એર્દોગાને પણ યુદ્ધ બંધ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ તેણે વિશ્વ શક્તિઓને ઇઝરાયલ પર યુદ્ધ રોકવા માટે દબાણ લાવવા વિનંતી પણ કરી હતી.