- ઇઝરાયેલમાંથી અપહરણ કરાયેલી જર્મન યુવતીનું મોત
- હમાસના લડવૈયાઓએ તેને કપડાં વગર શહેરમાં ફેરવી હતી
- 'દુર્ભાગ્યે, અમને ગઈકાલે સમાચાર મળ્યા કે મારી પુત્રી હવે હયાત નથી' :માતા
હમાસ-ઈઝરાયેલ યુદ્ધ ઘણા વિદેશી નાગરિકો માટે પણ પીડાદાયક રહ્યું છે. 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઓચિંતા હુમલા બાદ ઘણા લડવૈયાઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા હતા. હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં સુપરનોવા મ્યુઝિક ફેસ્ટમાં હાજરી આપતા અનેક નાગરિકોનું અપહરણ કર્યું હતું. આ ફેસ્ટમાંથી જર્મન નાગરિક શની લૌકનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસના લડવૈયાઓએ તેને કપડાં વગર શહેરમાં ફેરવી હતી અને તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
માતાએ કહ્યું- પુત્રી હવે હયાત નથી
જર્મન નાગરિક શની લૌકની માતા રિકાર્ડા લૌકનું કહેવું છે કે તેમને ઈઝરાયેલની સેના તરફથી માહિતી મળી છે કે તેમની પુત્રીનું મૃત્યુ થયું છે. જર્મન વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રિકાર્ડો લોકે કહ્યું હતું કે, 'દુર્ભાગ્યે, અમને ગઈકાલે સમાચાર મળ્યા કે મારી પુત્રી હવે હયાત નથી.' તેની બહેન આદિએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં શનિ લૌકના મૃત્યુની પુષ્ટિ કરી હતી. 'અત્યંત દુઃખ સાથે અમે અમારી બહેન શનિ નિકોલ ઝેલના મૃત્યુની જાહેરાત કરીએ છીએ.'
મહિલા પાસે બેવડી નાગરિકતા હતી
રિકાર્ડા લુકે કહ્યું હતું કે તેની પુત્રી ગંભીર રીતે ઘાયલ હતી અને તેની ગાઝાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શનિ લૌક પાસે જર્મની અને ઈઝરાયેલની બેવડી નાગરિકતા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ક્યારેય જર્મનીમાં રહેતી નથી પરંતુ સંબંધીઓ સાથે રહેવા માટે તે નિયમિતપણે જર્મની જતી હતી. તેની માતા રિકાર્ડા જર્મનીમાં કેથોલિક ધર્મમાં માનતી હતી. પરંતુ પાછળથી તેણી ઇઝરાયેલ સ્થળાંતર કરી અને યહુદી ધર્મને અનુસરવાનું શરૂ કર્યું હતું. જો કે, શનિ લૌકના દાદા-દાદી દક્ષિણ જર્મન શહેર રેવેન્સબર્ગમાં રહે છે.
ઇઝરાયેલ સરકારે પુષ્ટિ કરી
ઇઝરાયેલે ટ્વિટર પર તેમના મૃત્યુના સમાચાર શેર કરતા કહ્યું હતું કે, 'શનિનું એક સંગીત સમારોહમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને હમાસના આતંકવાદીઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગાઝામાં આસપાસ પરેડ કરવામાં આવી હતી તેણીએ અપાર ભયાનકતાનો અનુભવ કર્યો હતો. અમારા હૃદય તૂટી ગયા છે.
હમાસનો ઈઝરાયેલ પર હુમલો
7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400 ઇઝરાયલી માર્યા ગયા હતા અને હમાસ દ્વારા 239નું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી અને હમાસ દ્વારા નિયંત્રિત ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. હવાઈ હુમલાની સાથે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ અને જમીની હુમલામાં 8,000થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં મોટા ભાગના નાગરિકો અને અડધાથી વધુ બાળકો છે.