દેશના બિહાર રાજ્યમાં અત્યારે ઘણી નદીઓ ભયજનક સપાટી કરતાં ઉપર ગાંડીતૂર થઈને વહી રહી છે. ઘણી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેનાથી બિહારમાં આવેલા 13 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી લોકોની સ્થિતિ અત્યંત ખરાબ છે. આ બધું પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને લીધે થયું છે. નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ ખાબકી રહ્યો છે. આવામાં નેપાળમાં વરસાદ થવાથી બિહારમાં પૂર શા માટે આવે છે? જાણીએ....

 

બિહારમાં પૂરનું નેપાળથી શું કનેશન છે?

નેપાળમાં ભારે વરસાદ ખાબકતા બિહારમાં પૂર એટલા માટે આવે છે કારણ કે, બિહારનો મેદાની વિસ્તાર નેપાળ સાથે જોડાયેલા છે. કોસી, ગંડક, બુઢી, કમલા બલાન, બાગમતી સહિત ઘણી નદીઓ નેપાલથી વહેતી આવીને બિહારમાં આવે છે. જ્યારે નેપાળમાં વરસાદ થા. તો ત્યાંની નદીઓનું પાણી બિહારમાં આવવા લાગે છે. નેપાળમાં આસરે સાત નદીઓ કોસી સાથે મળે છે. જે બિહારમાં દર વર્ષે વિનાશ વેરતી હોય છે. આ કારણે કોસીને બિહારનો શોક પણ કહેવામાં આવે છે. બિહારનું પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપોલ, અરરિયા, કિશનગંજ જિલ્લા નેપાળને અડીને આવેલા છે. અત્યારે આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. અહીં પણ નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ભરાયા છે. 

 

બિહારમાં પૂરનો કહેર

 નેપાળમાં સતત વરસાદને કારણે બિહારના અનેક જિલ્લાઓ સંકટમાં છે. અહીં પૂર અને વરસાદથી વિનાશ સર્જાયો છે. સરહદી જિલ્લાઓમાં ઘણી જગ્યાએ નદીઓ ખતરાના નિશાનને સ્પર્શી રહી છે અથવા વહી રહી છે. નેપાળમાં વર્ષ-1968 પછી આટલો વરસાદ ક્યારેય થયો નથી. નેપાળમાં 27 સપ્ટેમ્બરથી સતત વરસાદ પડી રહ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે રવિવારે કોસી બેરેજ વીરપુરમાંથી રેકોર્ડ 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ગંડક બેરેજમાં લગભગ એટલું જ પાણી છોડવામાં આવ્યું છે.

આ કારણે બિહારમાં કોસી, ગંડક બાગમતી, બુધી ગંડક, કમલા બાલન અને મહાનંદા અને ગંગા જેવી નદીઓ વહેતી થઈ છે. આ નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કોસી બેરેજ વીરપુરમાંથી વિક્રમી પાણી છોડવાથી 13 જિલ્લાઓમાં 16.28 લાખથી વધુ લોકોને અસર થઈ છે, જેઓ પહેલાથી જ ભારે વરસાદને કારણે પૂર સામે ઝઝૂમી રહ્યા છે. 1968માં કોસી બેરેજ વીરપુરમાંથી 7.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તે સમયે પણ બિહારના અનેક જિલ્લાઓમાં તબાહી સર્જાઈ હતી.




નેપાળમાં પૂર અને વરસાદે વિનાશ વેર્યો

બીજી તરફ નેપાળમાં પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 179 થઈ ગઈ છે. પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે 55 લોકો ગુમ છે, જ્યારે 101 લોકો ઘાયલ છે. અનેક ભાગોમાં જનજીવન થંભી ગયું છે. ઘણા હાઈવે અને રસ્તાઓ બંધ સ્થિતિમાં છે, સેંકડો મકાનો અને પુલ ધોવાઈ ગયા છે. સેંકડો પરિવારો બેઘર થયા છે. રોડ બ્લોક થવાને કારણે હજારો મુસાફરો વિવિધ સ્થળોએ અટવાયા છે. ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે. લગભગ 3,626 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેથી લોકોને બચાવવા માટે 20 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  • Follow us on: