હિન્દુ સંત બ્રહ્મચારી ચિન્મય કૃષ્ણ દાસને જામીન નકારવાથી લઘુમતીઓની સલામતી અને અધિકારો પર પ્રશ્નો ઉઠ્યા છે.

ધરપકડ સામે ઉઠાવ્યો વાંધો

યુનુસના શાસનકાળ દરમિયાન હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બાંગ્લાદેશ-ભારત સંબંધો પર પ્રભુત્વ ધરાવતો હતો. ભારતે લઘુમતી સમુદાય સામેના ગુનાઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભારતે ઇસ્કોન મંદિરના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ સરકાર બદલાયા પછી પણ તેમને જામીન આપવામાં આવ્યા નથી.

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ચર્ચા

કોર્ટે જણાવ્યું હતું કે 2024માં વકીલની હત્યાના કેસમાં ટ્રાયલ હાલમાં ચિત્તાગોંગની નીચલી કોર્ટમાં ચાલી રહી છે અને સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તેથી, હાલમાં જામીન પર વિચાર કરી શકાય નહીં. જોકે, હાઇકોર્ટ સોમવારે દાસ સામે દાખલ કરાયેલા અન્ય ચાર કેસોમાં જામીન અરજીઓ પર સુનાવણી કરશે. ચિન્મય દાસની ધરપકડ અને સતત કેદ ભારત બાંગ્લાદેશ સંબંધોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ભારતે અગાઉ તેમની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ચિન્મય દાસની ધરપકડનો મામલો

બ્રહ્મચારી ચિન્મય કૃષ્ણ દાસ બાંગ્લાદેશ સંયુક્ત સનાતની જાગરણ જોતના પ્રવક્તા છે. તેમને 25 નવેમ્બર, 2024 ના રોજ ઢાકાના હઝરત શાહજહાલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ, ચિત્તાગોંગની એક કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જેના કારણે દેશભરમાં હિન્દુ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ચિત્તાગોંગમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેના પરિણામે સરકારી વકીલ સફુલ ઇસ્લામ અલિફનું મૃત્યુ થયું હતું. જાન્યુઆરી 2025 માં, એક ખાસ કોર્ટે આ જ કેસમાં ચિન્મય દાસ અને અન્ય 38 લોકો સામે આરોપો ઘડ્યા. સરકારી વકીલોના મતે, આ કેસમાં 39 આરોપીઓ છે, જેમાંથી 23 હાલમાં જેલમાં છે, જ્યારે બાકીના ફરાર હોવાનું જાણવા મળે છે.

લઘુમતીઓની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં ?

ચિન્મય દાસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી જેલમાં છે અને તેમની તબિયત ખરાબ છે. અગાઉ, એપ્રિલ 2025 માં, હાઈકોર્ટે તેમને રાષ્ટ્રધ્વજના અપમાન સંબંધિત રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની અપીલ બેન્ચે પાછળથી તે આદેશ પર સ્ટે આપ્યો હતો. વિશ્લેષકો કહે છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી, હિન્દુ સંગઠનોએ વારંવાર હુમલાઓ અને ભેદભાવનો આરોપ લગાવ્યો છે. નવી રાજકીય વ્યવસ્થા અને તારીક રહેમાનના પ્રભાવ છતાં, લઘુમતીઓને લગતી નીતિઓમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો હોય તેવું લાગતું નથી.

આ પણ વાંચોઃ પીએમ બન્યાના 45 દિવસની અંદર જ Balen Shahએ ભારત વિરોધી લીધા નિર્ણય