શેખ હસીનાએ આ વર્ષના અંત સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. જેના કારણે રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. 

ઓગસ્ટ સુધીની સમયમર્યાદા 

શેખ હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાતથી તારિક રહેમાનની સરકારને આંચકો લાગ્યો છે. જેના કારણે BNP સરકારે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને ઉતાવળે હટાવવા માટે પ્રેરિત કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્રોએ સ્થાનિક અખબાર દેશ વંતુરને જણાવ્યું હતું કે, રહેમાનની સરકારે રાષ્ટ્રપતિને રાજીનામું આપવા કહ્યું છે. તેમને ઓગસ્ટ સુધીની સમયમર્યાદા આપી છે.

રાષ્ટ્રપતિનું રાજીનામું કેમ માંગવામાં આવ્યુ ?

1. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન શેખ હસીનાના નજીકના માનવામાં આવે છે. શેખ હસીનાએ 2023માં શહાબુદ્દીનને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે શેખ હસીનાને ઉથલાવી દેવામાં આવ્યા. ત્યારે રાષ્ટ્રપતિને હટાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ બંધારણીય જોગવાઈઓને કારણે બીએનપીએ તેનો વિરોધ કર્યો હતો. યુનુસ સરકાર દરમિયાન, બીએનપીએ રાષ્ટ્રપતિને જોરદાર ટેકો આપ્યો હતો. જેના કારણે શહાબુદ્દીનને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા.

2. સરકારને ડર છે કે જો શેખ હસીના પાછા ફરે છે, તો રાષ્ટ્રપતિ કાનૂની ચાલાકીનો આશરો લઈ શકે છે. પરિણામે, બીએનપી સરકાર શેખ હસીના સામે મજબૂત વલણ અપનાવી શકશે નહીં. શેખ હસીના અને તેમનો પક્ષ બાંગ્લાદેશમાં ખૂબ જ મજબૂત રહે છે. જો હસીના મજબૂત વાપસી કરે છે, તો ભવિષ્યમાં તારિક રહેમાનની મુશ્કેલીઓ વધી શકે છે.

3. તારિક રહેમાનની સરકાર ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને રાજીનામું આપે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીનનું તાજેતરમાં લંડનમાં હૃદયની સર્જરી થઈ હતી અને કેટલાક સમયથી બીમાર હોવાના અહેવાલ છે.

આ વર્ષના અંત સુધીમાં શેખ હસીનાનું પુનરાગમન

ઓગસ્ટ 2024 માં, બાંગ્લાદેશમાં થયેલા બળવા બાદ શેખ હસીનાને ઉથલાવી દેવામાં આવ્યા હતા. આ પછી, શેખ હસીના ઢાકાથી દિલ્હી ગયા. ત્યારબાદ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટીએ જીત મેળવી હતી. ત્યારબાદ શેખ હસીનાએ ઢાકા પાછા ફરવાનો નિર્ણય લીધો છે. પોતાની જાહેરાતમાં, 79 વર્ષીય શેખ હસીનાએ જણાવ્યું હતું કે તેમનો સંઘર્ષ અટકશે નહીં. હસીનાની જાહેરાતથી બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. શેખ હસીના બાંગ્લાદેશમાં 600 થી વધુ કેસનો સામનો કરી રહ્યા છે, અને તેમને 10 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તેમ છતાં, તેમની વાપસીની જાહેરાતથી સરકારનું તણાવ વધ્યું છે.

આ પણ વાંચોઃ પતિની હત્યા કેસમાં Sonam Raghuvanshiના જામીન રદ, આત્મસમર્પણ કરવા આદેશ